પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

અને ઉત્કૃષ્ટવસ્ત્રાલંકારમંડિતા રમણી મસ્તકપર ચાંદીનું બેડું લઇને ઝાંઝરને ઝમકાવતી ત્યાંથી નીકળી અને શિવાલયના સંરક્ષક ખાકી બાવાની ઝૂંપડીમાં ચાલી ગઈ. આ વિલક્ષણ દૃશ્યને જોઈને સાયબજીના મનમાં અનેક પ્રકારની કુશંકાઓ થવા લાગી અને એમાં કાંઈ પણ ભેદ હોવો જોઈએ એમ તેની મનોદેવતા તેને કહેવા લાગી. તેણે એ ભેદને જાણવાનો પોતાના મનમાં નિશ્ચય કરી લીધો.

−♦−•−♦−•−♦−•−♦−
ચતુર્થ પરિચ્છેદ
કાપાલિકાની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

જે પરમલાવણ્યવતી અને ઉત્કૃષ્ટવસ્ત્રાલંકારમંડિતા રમણી મધ્યાહ્નકાળે એ એકાંત અને બહુધા નિર્જન સ્થાનમાં આવી હતી, તે તેનાં વસ્ત્રોથી એટલે કે વસ્ત્રોની વિશિષ્ટ પદ્ધતિથી જાતિની બહુધા વૈશ્ય વનિતા હોય, એવું કેટલેક અંશે અનુમાન કરી શકાતું હતું; તેમ જ તેનાં મૂલ્યવાન્ વસ્ત્રો તથા બહુમૂલ્ય અલંકારોને જોતાં તે કોઈ ધનાઢ્ય કુટુંબની કામિની હોવી જોઈએ, એ પણ સ્પષ્ટ જણાઈ આવતું હતું. વળી તેના શરીરસૌન્દર્ય તથા લાવણ્યની છટા એવી તો આકર્ષક તથા મનોહારિણી હતી કે તેને જોઈને મુનિવરોનાં મન પણ ચળી જાય, તો પછી તેના રુપમાં કોઈ વિકારી પુરુષનું મન લુબ્ધ થાય એ તો સ્વાભાવિક જ હતું. અર્થાત્ તેની મુખપ્રભા અને તેજસ્વિતાથી તેની કુલીનતાની પણ સહજ કલ્પના કરી શકાતી હતી. આવી એક ધનાઢ્ય, સૌન્દર્યસંપન્ન તથા કુલીન તરુણીને મધ્યાહ્નના સમયમાં અરણ્યસમાન નિર્જનસ્થાનમાં વસતા એક ખાકી બાવાની ઝૂપડીમાં પ્રવેશ કરતી જોઈને કોઈના પણ મનમાં શંકા આવવાનો સંભવ હતો, તે પછી જો સાયબજીના મનમાં એવી શંકાનો આવિર્ભાવ થયો હોય, તો તેમાં આશ્ચર્ય કે નવીનતા જેવું કાંઈ હતું જ નહિ.

અસ્તુઃ ખાકી બાવાના જે નિવાસસ્થાનને આપણે 'ઝૂપડી' નામ આપ્યું છે, તે વાસ્તવિક 'ઝૂપડી' નહોતી, કિન્તુ પાકી લાલ ઇંટોનું ચણેલું એક સારું ઘર જ હતું; પરંતુ એ ખાકી બાવાનું ઘર હોવાથી લોકો તેને બાવાની ઝૂપડી જ કહેતા હતા અને તેથી અમોએ પણ અહીં 'ઝૂપડી’ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. એ ઘરમાં બે ઓરડા કરેલા હતા, પરંતુ બહારનું બારણું એક હોવાથી એક ઓરડામાં પ્રવેશ કરી બે એારડાની વચ્ચેની દીવાલમાંના બીજા દરવાજામાં થઈને બીજા ઓરડામાં જઈ શકાતું હતું. બહારના બારણાવાળા એારડાને બીજી બે દિશામાં બે બારીઓ હતી અને અંદરના ઓરડાને ત્રણ દિશામાં ત્રણ