પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
કચ્છનો કાર્તિકેય'

બારીઓ કરેલી હતી; એ સઘળી બારીઓમાં લોઢાની સળિયાં નાખેલાં હતાં અને મજબૂત બારણાં પણ બેસાડેલાં હતાં. ખેંગારજી તથા સાયબજીએ જે વટવૃક્ષની છાયામાં પોતાની છાવણી નાખી હતી, ત્યાંથી એ ઝુપડી લગભગ ત્રીસથી ચાળીસ કદમના અંતર પર આવેલી હતી અને ઝૂપડીનું પછવાડું વટવૃક્ષની બરાબર સામે જ પડતું હતું. ત્યાં બે બારીઓ હતી અને તેમનાં બારણાં અત્યારે બંધ હતાં. 'જો બારીમાં કયાંક ફાંકું અથવા તેડ હશે, તો તેમાંથી અંદરની ઘટના પણ જોઈ શકાશે અને નિદ્રાધીન ખેંગારજી તથા પોતાની વસ્તુઓપર પણ દૃષ્ટિ રાખી શકાશે, એટલે જો બની શકે, તો એ રમણીના ભેદને જાણવાની ચેષ્ટા કરવી જ જોઈએ, આવા વિચારથી સાયબજી પોતાના સ્થાન પરથી ઊઠ્યો અને ઝૂપડીની પાછલી દીવાલમાંની એક બારી પાસે જઈ પહોંચ્યો. બારીના એક બારણાને હાથ અડકાડતાં જ તે બારી અંદરથી વાસેલી ન હતી, એમ તેના જાણવામાં આવી ગયું. બારણાને સહજ ઊઘાડતાં આંતરિક ભાગમાંનું જે દૃશ્ય તેના જોવામાં આવ્યું અને તે રમણી તથા ખાકી બાવાનો જે પરસ્પર વાર્તાલાપ તેના સાંભળવામાં આવ્યો તેથી તે કેવળ આશ્ચર્યચકિત જ નહિ, કિન્તુ કેટલેક અંશે ભયભીત પણ થઈ ગયો.

બાવો આ વેળાયે પોતાના સ્વાભાવિક ખાકી બાવાના વેશમાં નહોતો, કિન્તુ એક પ્રકારના રાજસી વેશમાં સજ્જ થઈને એક સુંદર પર્યકશધ્યામાં કામદર્શક છટાથી બેઠો હતો.ઓરડામાં એ વેળાએ બળતી સુવાસિકા અગરબત્તીઓને તેમ જ સુવાસિક તૈલ તથા અત્તર ઇત્યાદિના સુગંધનો વિસ્તાર થયેલો હતો અને તે સુગંધ સાયબજીની નાસિકામાં પણ પ્રવેશ કરતો હતો. તે આગંતુકા અબળા હસ્તદ્વય જોડીને બાવાજી સમક્ષ દીન ભાવને દર્શાવતી ઊભી હતી અને બાવો તેના મુખમંડળના અવલોકનથી પુલકિત થતો દેખાતો હતો. થોડી વાર સુધી ત્યાં મૌનનું સામ્રાજ્ય અખંડ રહ્યા પછી બાવાજીએ અચાનક મૌનનો ભંગ કર્યો અને ગંભીર સ્વરથી તે રમણીને પૂછ્યું કે:—

"મનોહારિણી રમણી, ભાવિક ભક્તા અને આસ્તિક આર્ય અબળા, તું આજે આ વેળાયે અહીં આવવાની છે એ સમાચાર મને આજે પ્રભાતમાં મળી ચૂક્યા હતા અને તેથી આ રાજસી વેશ ધારીને તારી મન:કામનાને પૂર્ણ કરવા માટે હું તારી વાટ જોતો જ બેઠો હતો. હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે કે, તારી શી આશા છે, શી વાંચ્છના છે અને શી અભિલાષા છે ?”

"આપ જેવા મહાત્મા પુરષો આ કલિકાળમાં દુર્લભ છે; કારણ