પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

આપનું પ્રત્યેક વચન સિદ્ધ થાય છે અને આપના કૃપાપ્રસાદથી અનેક ગૃહસ્થોનાં અંધકારમય ગૃહમાં પ્રકાશનો વિસ્તાર થયો છે, એ વાર્તા મારા જાણવામાં આવતાં હું પણ આપના કૃપાપ્રસાદને મેળવવાની આશાથી જ અત્યારે કોઈના જાણવામાં ન આવે તેવી રીતે આપની પાસે આવી છું અને ગુરુ તથા દેવ સમક્ષ ખાલી હાથે ન જવું એવો શાસ્ત્રનો દર્શાવેલો નિયમ હોવાથી યથાશક્તિ આપને આપવા માટેની ગુરુદક્ષિણા પણ સાથે લેતી આવી છું.” તે રમણીએ અત્યંત વિનીત ભાવથી પ્રાર્થનાના સ્વરૂપમાં એ શબ્દો ઉચ્ચાર્યા.

“તારૂં મધુર નામ માધુરી છે, કેમ ખરું કે નહિ ?” બાવાએ વિલક્ષણ કટાક્ષપાત કરીને પૂછ્યું.

“જી હા, મહારાજ, આ સ્ત્રીશરીરને લોકો માધુરી નામથી જ ઓળખે છે; પરંતુ વસ્તુતઃ માધુરીમાં માધુરીનો અભાવ છે.” માધુરીએ શ્લેષાત્મક વાક્યમાં ઉત્તર આપીને પોતાની સુશિક્ષિતતાનો કાંઇક પરિચય કરાવ્યો.

"માધુરીની સાક્ષાત્ પ્રતિમામાં તે વળી કઈ માધુરીનો અભાવ છે, તે મારાથી સમજી શકાતું નથી. સ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યા વિના તારા આશયને હું જાણી શકું તેમ નથી.” બાવાજીએ તેના આશયને જાણવા છતાં પણ ન જાણવાનો ભાવ દર્શાવ્યો.

માધુરી હવે કિંચિદંશે લજજાને ત્યાગીને કહેવા લાગી કેઃ “મહામન, કેવળ સંતાનસુખમાં જ સ્ત્રીના અવતારની સત્ય માધુરી અથવા મધુરતા સમાયલી હોય છે, એ તો એક સાધારણ વાર્તા છે એટલે આપના જાણવામાં પણ હોવી જ જોઈએ. અર્થાત્ એક ગૃહસ્થ સ્ત્રીને સંતાનસુખહીન જીવન કેવળ અમધુર જ નહિ, પણ સર્વથા વિષ સમાન ભાસ્યા કરે છે અને મારી પણ અત્યારે એ જ અવસ્થા છે. મારા પતિ તરુણ, સુંદર, રતિપતિમૂર્તિ અને અતુલધનસંપતિના સ્વામી છે, તેમને મારામાં અગાધ અનુરાગ છે અને મારા સંસારસુખમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા નથી; પરમાત્માએ અમને સુખ આપવામાં આવી રીતે સર્વ પ્રકારની ઉદારતા દર્શાવવા છતાં માત્ર એક શેર માટી આપવામાં જ અદ્યાપિ કૃપણતા દર્શાવી છે; સારાંશ સંતાનસુખ વિના એ સર્વ સુખો મને તુચ્છ ભાસે છે અને એ સંતાનસુખની ભિક્ષા લેવા માટે જ અત્યારે સાહસ કરીને હું આ સ્થાનમાં આવી છું; કારણ કે, મારી સખી અને પાડોશણ જેકોર (જયકુમારી)ના વંધ્યત્વનું નિવારણ થયું છે અને તે અત્યારે સુંદર પુત્ર સંતાનને રમાડવાના ભાગ્યને પ્રાપ્ત કરી શકી છે, એ સર્વથા આપના