પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
કચ્છનો કાર્તિકેય

કૃપાપ્રસાદનું જ સુખદ પરિણામ છે અને એવી જ રીતે આપે અન્ય પણ કેટલાંક દંપતીને સંતાનસુખ આપ્યું છે, એમ જેકોરના મુખથી જ મારા જાણવામાં આવ્યું છે અને તેની પ્રેરણાથી જ હું આપની સેવામાં ઉપસ્થિત થઈ છું, એ તો આપ જાણો જ છો, એટલે વિશેષ વિવેચનની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી.”

માધુરીના આ ભાષણનું શ્રવણ કરીને બાવો કાંઈક વિચારમાં પડી ગયો અને ત્યાર પછી તેણે પૂછ્યું કેઃ “ગુરુદક્ષિણા તું કેટલી લાવી છે ?”

"આ ચાંદીના હાંડામાં પાંચસો સોના મોહોર ભરીને અત્યારે હું લાવી છું અને જ્યારે મારી આશા સફળ થશે, ત્યારે બીજી પણ એટલીજ સુવર્ણમુદ્રા લાવી આપવાનું હું આપને વચન આપું છું.” માધુરીએ એમ કહીને ચાંદીના હાંડામાંની સુવર્ણમુદ્રાઓનો ભોંયપર ઢગલો કરીને તેમને ગણવાનો આરંભ કરી દીધો અને પચાસ પચાસ સોનો મહોરોની થોકડીઓ કરીને બાવાની શય્યામાં રાખવા માંડી.

એ વેળાએ સાયબજીએ ખેંગારજી પ્રતિ દૃષ્ટિપાત કર્યો તો તે જાગ્રત થયેલો દેખાયો અને તેથી સાયબજી પોતાના જ્યેષ્ઠ બંધુ પાસે આવીને સંક્ષેપમાં માધુરી તથા ખાકી બાવાના તે ઝૂપડીમાં ચાલતા અભિનયની કથા તેને સંભળાવવા લાગ્યો. ખેંગારજીના મનમાં પણ એ કૌતુકને જોવાની અભિલાષા થવાથી ઉભય બંધુઓ પાછા તે બારી પાસે આવીને ઊભા રહ્યા. એ વેળાયે માધુરીએ છેલ્લી પચાસ મહોરોની થોકડીને બાવાની શય્યામાં રાખી અને પૂછ્યું કે: “પરમાત્માના કૃપાભાજન, ત્યારે હવે જણાવો કે, મને મારી ઇચ્છિત માધુરીનો લાભ ક્યારે મળશે ?”

બાવાજીએ વિલક્ષણ હાસ્ય કરીને કહ્યું કે “માધુરી, આ પાંચસો સુવર્ણમુદ્રા તો મહાદેવજીના એક જ રુદ્રાભિષેકમાં સમાપ્ત થઈ જશે અને તારી મનોવાંચ્છનાની સિદ્ધિ માટે ઓછામાં ઓછા ત્રણ રુદ્રાભિષેક તો અવશ્ય કરવાજ પડશે. અર્થાત્ ઓછામાં ઓછી પંદરસો મોહોરો તો પ્રથમ જ જોઇશે અને ત્યાર પછી પણ તેટલી જ બીજી ગુરુદક્ષિણા તારે આપવી પડશે. આ તો થઈ જાણે આપવા લેવાની વાત; પણ એ ઉપરાંત તારે મારી એક બીજી આજ્ઞાનો પણ સ્વીકાર કરવો પડશે, કારણ કે, મારી તે આજ્ઞાના પાલન વિના તને સંતાનસુખની પ્રાપ્તિ થાય, એ સર્વથા અશક્ય તથા અસંભવનીય છે.”

“જો ત્રણ રુદ્રાભિષેક માટે પંદરસો સુવર્ણમુદ્રાની આવશ્યકતા હશે, તો બીજી એક હજાર સુવર્ણમુદ્રા હું એક બે દિવસમાં જ