પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
કચ્છનો કાર્તિકેય

ચિન્હો પ્રકટી નીકળ્યાં અને તેના નેત્રો રક્તવર્ણ થઈ ગયાં. તે યોગીની શય્યામાં ગણીને રાખેલી સુવર્ણમુદ્રાને પાછી ઉપાડીને પોતાના રજત પાત્રમાં નાખતી ધિક્કારદર્શક વાણીથી તે પાખંડપ્રતિમા બાવાને સંબોધીને કહેવા લાગી કેઃ “દુષ્ટ નરપિશાચ, તું આવો નીચાશય અને વિષયલોલુપ છે એ વાત જો પ્રથમ મારા જાણવામાં આવી હોત, તો હું અહીં આવવાનું સાહસ કદાપિ કરત નહિ. રાંડ જેકોરે આ વાત મને ન જણાવી તેનું કારણ એ જ હોવું જોઈએ કે, તે તારા હસ્તથી ભ્રષ્ટ થઈ ચૂકી છે અને હવે તેનો પોતાની નકટાજમાતને વધારવાનો વિચાર થયો છે. મારી તો એવી જ ધારણા હતી કે કેવળ તારા યોગબળ, બ્રહ્મચર્ય તથા દેવારાધનના પ્રતાપે તારા આશીર્વાદથી જ નિઃસંતાન દંપતીઓને સંતાનસુખની પ્રાપ્તિ થાય છે અને એ ધારણાથી હું તારો આશીર્વાદ લેવામાટે જ અહીં આવી હતી, પરંતુ તારા અત્યારના વર્તનથી સ્પષ્ટ રીતે મારા જાણવામાં આવી ગયું છે કે જે સ્ત્રીઓ તારા જેવા પાખંડીઓની કાલ્પનિક સિદ્ધિમાં વિશ્વાસ રાખીને સંતાનવતી થવાની અભિલાષા રાખે છે, તે સ્ત્રીઓના લક્ષ્મીધન, યૌવનધન, સતીત્વધન તથા પ્રતિષ્ઠાધનની તારા જેવા વ્યભિચારી પુરુષોની ઇન્દ્રિયલોલુપતામાં આહુતિ અપાય છે અને તેઓ આ લોકમાં નિંદ્ય તથા પરલોકમાંના શાશ્વત સુખથી સદાને માટે વંચિત થાય છે ! સંતાનની પ્રાપ્તિ કે અપ્રાપ્તિનો આધાર કેવળ પરમાત્માની ઈચ્છા૫ર જ રહેલો છે એટલે જો પરમાત્માની કૃપા હશે, તો તે અવશ્ય અમને સંતાન આપશે અને સંતાન નહિ આપે, તો હું મારી વંધ્યતામાં જ સંતુષ્ટ રહીશ. આવી રીતે વ્યભિચાર તથા ભ્રષ્ટતાના માર્ગમાં પ્રવેશ કરીને વર્ણસંકર પ્રજાને ઉત્પન્ન કરવાની અને મારા ધર્મથી પતિત થઈને સંતાનસુખને મેળવવાની મારી લેશ માત્ર પણ ઇચ્છા હતી નહિ, છે નહિ અને હોવાની કે થવાની પણ નથી. હું હવે અન્ય સ્ત્રીઓને પણ ઉપદેશ આપીશ અને તેમને તારા જેવા પિશાચના પ્રપંચજાળમાં સપડાતી અટકાવીશ !”

માધુરીના આ ધિક્કારદર્શક દીર્ધ ભાષણના શ્રવણથી હવે તે બાવાએ, તે યોગિકુલકલંક રાક્ષસે પણ પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવવાનો પોતાના મનમાં દૃઢ નિર્ધાર કરી લીધો અને એક પ્રકારનું વિકટ હાસ્ય કરીને તે કહેવા લાગ્યો કેઃ “માધુરી, તારી આ ઓજસ્વિતાને જોઈને હું જાણી ગયો છું કે તું સહજમાં જ કોઈ પરપુરુષની વિકારવાંચ્છનાને વશ થઈ જાય તેવા નિર્મળ હૃદયની અને કામાતુરા કામિની નથી. પરંતુ એ સાથે તારે એ પણ જાણી લેવાનું છે