પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
કચ્છનો કાર્તિકેય


"આ એક અજ્ઞાત અને પ્રવાસિની પ્રમદા પોતાની એક પંચવર્ષીય પુત્રી સાથે ગઈ કાલે સંધ્યા સમયે આ સ્થાનમાં આવી હતી અને અમદાવાદમાં એનું કોઈ ઓળખીતું ન હોવાથી આ સ્થાનમાં રાતવાસો કરવાનો ઉપદેશ આપીને મારી ઉદારતાથી મેં એને લલચાવી હતી. મધ્યરાત્રે એણે મારી વિકારવાસનાનો અનાદર કરવાથી બળાત્કારે એના સતીત્વનો ભંગ કરીને એના ગળામાં ફાંસો નાખી મેં આ કપાટમાં લટકાવી હતી અને મારી એક ગુપ્તદૂતી દ્વારા એની પંચવર્ષીય પુત્રીને એક વેશ્યાને ત્યાં વેચાવી તેની એક હજાર સુવર્ણમુદ્રા જેટલી કીમત આજે પ્રભાતમાં જ ઉપજાવી હતી. જો હઠવાદિની થઈશ તો તારી પણ આવી જ દુર્દશા થવાની છે અને આ મૃત શરીરની સાથે તારી મૃત કાયા પણ આ કાળના વિકરાળ મુખરૂપ ભૂમિગર્ભમાં પડીને સદાને માટે અદૃશ્ય થવાની છે !"

આ શબ્દો ઉચ્ચારીને તે ક્રૂરકર્મા કાપાલિકે પર્યંક પાસેની ભૂમિપરના ગાલીચાને દૂર ખસેડીને એક શિલામાં જડેલા લોઢાના બે કડામાં બે હાથ નાખી એક વિશાળ શિલાખંડને બહાર કાઢી લીધો અને તે શિલાખંડ દૂર થતાં જ નીચે એક ઊંડો ખાડો વિસ્તરેલો માધુરીના જોવામાં આવ્યો. તે ખાડામાં મનુષ્યનાં અસ્થિઓનો જે રાશિ જોવામાં આવતો હતો તેને બતાવીને કાપાલિકે કહ્યું કે “આ સર્વ તારા જેવી હઠવાદિની સ્ત્રીઓનાં શરીરોનાં જ અસ્થિ છે, તે જોઈ લે. આ ખાડામાં દટાઈને જો આ સ્થિતિને પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા હોય તો જ મારી ઈચ્છાનો અનાદર કરજે અને મારા વાદની પ્રતિવાદિની થજે. બોલ ત્યારે હવે તારો શો વિચાર છે ?”

જો કે માધુરી વાયુના પ્રબળ આધાતથી કંપતી એક કોમળ લતિકા પ્રમાણે ભયના આઘાતથી કંપતી ઊભી હતી, તો ૫ણ કાપાલિકના આ વાદનો પ્રતિવાદ કરતી તે દૃઢતાથી બોલી કેઃ “આ સંસારમાં ભ્રષ્ટ જીવનને ધારણ કરીને મૃત સમાન અવસ્થામાં જીવવા કરતાં આ ધર્મશીલા માધુરી ધર્મના રક્ષણમાટે આનંદથી પોતાના તુચ્છ પ્રાણનું બલિદાન આપવાને તૈયાર છે !”

"જો એમ જ છે, તો તારા વધમાટે તૈયાર મારી આ તલ્વાર છે !” એમ કહીને તે નિર્દય કાપાલિકે પર્યંકશય્યા તળેથી પોતાની તલ્વારને કાઢી લીધી અને તે દેવીના નામને ઉચ્ચારતો માધુરીના વધની તૈયારી કરવા લાગ્યો; તલ્વાવારને માધુરીપર ઉગામીને તે બોલ્યો કેઃ “ કરી લે ત્યારે આનંદથી મરણનો સત્કાર !”

"ખબરદાર; જો આ હત્યા કરી છે, તો તારામાટે પણ મરણનો