પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

હસ્ત છે તૈયાર !" અંતિમ ઘટિકાને આવેલી જોઇને ખેંગારજીએ તે બારીનાં બારણાંંને ઉધાડી નાખીને એ શબ્દનો ભીષણતાથી ઉચ્ચાર કર્યો અને તે સાંભળીને કાપાલિકનો માધુરીના સંહાર માટે ઉપડેલો હાથ પાછો નીચે પડી ગયો. કાપાલિકના એ ભયનો લાભ લઇને માધુરીએ તે ઝૂપડીના દરવાજાની અંદરથી વાસેલી સાંકળ ઉઘાડી નાખી અને તેનું ભાન થતાં તે વાસવાને કાપાલિક દોડ્યો, પણ એટલામાં ખેંગારજી તથા સાયબજીએ ત્યાં દોડીને લાતના આઘાતથી બારણાને ઊઘાડી નાખ્યાં અને ત્યારપછી ઝૂપડીમાં પ્રવેશ કરીને તે બંધુદ્વય પોતાની તલ્વારોને તાણી તે કાપાલિક સમક્ષ ઊભા રહ્યા. સાયબજીએ ખેંગારજીને પૂછ્યું કે “ત્યારે જયેષ્ઠ બંધુ, હવે આપનો શો વિચાર છે ?”

“આવા નરપિશાચના જીવનની સમાપ્તિ થવામાં જ ધર્માંત્માઓના જીવનની નિર્ભયતા છે, ધર્માત્માઓનો ઉદ્ધાર છે." ખેંગારજીએ માર્મિકતાથી તે કાપાલિકના વધનો માર્મિક વિચાર દર્શાવ્યો.

કાપાલિક પણ હૃષ્ટપુષ્ટ અને બળવાન હોવાથી ખેંગારજીના આ ઉદ્‌ગારને સાંભળી તે ઉભય બંધુઓને મારી નાખવાના વિચારપર આવી ગયો અને કહેવા લાગ્યો કે: “મને મારી નાખવાની ઈચ્છા રાખનાર પોતે જ અહીં મરનાર છે; મારી તલ્વારના એક જ વારથી તમો બન્નેનાં માથાં માટીમાં મળી જનાર છે !”

આમ કહીને તે જેવો તલવારનો વાર ખેંગારજીપર કરવા જતો હતો તેવામાં સાયબજીએ તેના તલ્વારવાળા-જમણા–હાથપર પોતાની તલ્વારનો એવો તો વાર કર્યો કે તત્કાળ તેનો હાથ કપાઈ ગયો અને તે કપાયલા હાથ સાથે તેની તલવાર પણ દૂર પડી ગઈ. હવે ખેંગારજી તેના શિરને ધડથી ભિન્ન કરવાને તૈયાર થયો, પણ તેને તેમ કરતો અટકાવીને તે કાપાલિક કરગરીને કહેવા લાગ્યો કેઃ “હે વીર પુરુષો, કૃપા કરીને મારી હત્યા ન કરો; આ ખાડામાં અસ્થિઓની નીચે લક્ષાવાધ સુવર્ણમુદ્રાઓ અને સુવર્ણ, મૌક્તિક તથા હીરક આદિના અસંખ્ય અલંકારોનો ભંડાર મેં ભરી રાખ્યો છે, તે જોઈએ તો લઈ જાઓ; પરંતુ મને જીવનદાન આપો; કારણ કે, આજની આ ઘટનાથી મારા હૃદયમાં ઈશ્વરની ઈશ્વરતાનો પ્રકાશ પડ્યો છે અને પશ્ચાત્તાપથી મારા જીવનના ઉત્તરભાગને સુધારવાનો મારો દૃઢ નિર્ધાર થયો છે. જો આપ મને અત્યારે મારી નાખશો, તો પશ્ચાત્તાપથી મારા જીવનને સુધારવાનો પ્રસંગ મારા હાથમાંથી ચાલ્યો જશે અને મારો રૌરવ નરકમાં નિવાસ થશે ! મારા પર દયા કરો અને મારા ઘોરતમ અપરાધોની