પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
કચ્છનો કાર્તિકેય

લગભગ બે માઈલ જેટલા ઘેરાવામાં બેગડાની છાવણીનો વિસ્તાર જોવામાં આવતો હતો. છાવણીમાં અનેક તંબૂઓ ઉભા કરી દેવામાં આવ્યા હતા; છતાં સુલ્તાનનો પોતાનો તંબૂ દૂરથી પણ ઓળખી શકાતો હતો. સુલ્તાનનો તંબૂ મખમલ અને ઝીકના ભરતકામથી ભરપૂર હતો તેમ જ તેના શિખરે રાજપતાકા અને સુવર્ણનો અર્ધચન્દ્ર શોભી રહ્યાં હતાં. સુલ્તાન આ વેળાએ પોતાની બેગમો અને રખાયતોને સાથે લાવ્યો નહોતો એટલે છાવણીમાં કેવળ કેટલીક ખિદમતગાર લૉંડીઓ વિના સ્ત્રીઓની વિપુલતા જોવામાં આવતી નહોતી. દિવસના લગભગ તૃતીય પ્રહરનો સમય થયેલો હતો અને સુલ્તાન પોતાના વિશાળ તંબુમાં સાદા પોશાકમાં જ સજ્જ થઈ હુક્કા પાણીનો આસ્વાદ લેતો પોતાના સરદાર તથા અમીરો સાથે કચ્છ રાજ્ય વિશેની જ કેટલીક ચર્ચા ચલાવતો બેઠો હતો. એટલામાં અચાનક એક પહેરેગીરે આવી કોર્નિશ્ કરીને જણાવ્યું કે: “આલમપનાહ, કચ્છના રાજાના દીવાન નજરાણું લઈને હુજૂરેવાલાની કદમબોસીમાટે આવ્યા છે; જો હુકમ હોય તો મોકલું.”

"જાઓ અને તેમને ઈજ્જતની સાથે અહીં લઈ આવો,” સુલ્તાને પોતાની યોગ્યતાને દર્શાવનારી આજ્ઞા કરી અને પહેરેગીર મસ્તક નમાવીને ચાલ્યો ગયો.

ભૂધરશાહ થોડી વારમાં જ સુલ્તાન સમક્ષ આવીને ઉભો રહ્યો અને રાજરીતિ પ્રમાણે અદબથી સલામ અકરામ કરીને હમ્મીરજીએ મોકલાવેલું નજરાણું સુલ્તાનને ભેટ ધર્યું. નજરાણાનો આનંદથી સ્વીકાર કરીને ચાણક્ય બુદ્ધિ સુલ્તાને તેને સવાલ કર્યો કેઃ “દીવાન સાહબ, તમારા કચ્છના રાજા સાથે અમારો કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવા છતાં તેમણે આ નજરાણું મોકલવાની તસ્દી લીધી અને વિવેક બતાવ્યો, એને ભાવાર્થ શો વારૂ ?"

“એના ભાવાર્થ એ જ કે, આપ શત્રુતાનું કોઈ પણ પ્રકારનું ચિહ્ન્ બતાવ્યા વિના જ અમારા દેશમાં પધાર્યા છો અને જે કોઈ પણ શાંતિથી દ્વારમાં આવે તે અતિથિ મનાય છે. વળી અતિથિનો સત્કાર કરવો એ અમારા આર્યધર્મનો પરમ સિદ્ધાન્ત હોવાથી આપનો આપની યોગ્યતા પ્રમાણે અમારે આદર સત્કાર કરવો જ જોઈએ.” ભૂધરશાહે સમયસૂચકતાથી યોગ્ય અને સંતોષકારક ઉત્તર આપ્યું.

"દીવાન સાહબ, તમારા રાજાના યોગ્ય વર્ત્તનથી મારા મનમાં અતિશય આનન્દ થયો છે. મારી પણ એ જ ઇચ્છા છે કે તમારા રાજા સાથે મારી મૈત્રી સદાને માટે જળવાયલી જ રહે,” સુલ્તાને કહ્યું.