પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
કચ્છનો કાર્તિકેય

આપણે પરમાત્માનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો જ છે. મહાભયંકર પ્રાણઘાતક પ્રસંગોમાંથી નિર્વિઘ્ને છટકીને તમો અહીં પહોંચી શક્યા છો, એથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પરમકૃપાળુ અને પરમદયામય ન્યાયશીલ જગત્પિતાની તમારા હસ્તથી તે દુષ્ટ જામ રાવળને યોગ્ય શિક્ષા અપાવીને તમને જ પાછા કચ્છના રાજસિંહાસન પર સ્થાપવાની દૃડ ઈચ્છા હોવી જોઈએ; કારણ કે, નહિ તો તે જગદાધાર તમને બચાવીને અહિં પહોંચાડે જ નહિ. અસ્તુઃ હવે તમો અહીંથી ચાલો અને આપણા ગૃહમાં આનન્દથી મારી સાથે રહો. આપણે નીરાંતે આપણા શત્રુના અધિકારમાં ગયેલા રાજ્યને પાછું મેળવવામાટે શો પ્રયત્ન કરવો એ વિશેનો યોગ્ય ઊહાપોહ પૂર્વક નિર્ણય કરીશું અને મારો નિશ્ચય છે કે સુલ્તાન મહમ્મદ બેગડો આપણો સંબંધી હોવાથી અવશ્ય આપણને જોઇતી સહાયતા આપશે."

એના ઉત્તરમાં ખેંગારજીએ તેવી જ ગંભીરતાને ધારણ કરીને જણાવ્યું કે: "જ્યેષ્ઠ બંધુ અલૈયાજી, આપના આ વિચારો જો કે યોગ્ય છે; છતાં પણ આ કાર્યમાં આટલી બધી શીઘ્રતા કરવાની આવશ્યકતા નથી; કારણ કે, કોઈ પણ વસ્તુને નષ્ટ કરતાં વિલંબ લાગતો નથી, પણ કોઈ પણ બગડેલા કાર્યને સુધારતાં અથવા તો બગડેલી વસ્તુને પુનઃ તેના મૂળ સ્વરૂપમાં લાવતાં વિલંબ પણ થાય છે અને તેમાટે કેટલોક પરિશ્રમ પણ કરવો પડે છે. અમે અહીં સુલ્તાન બેગડાની સહાયતા મેળવવાના આશયથી જ આવ્યા છીએ અને સુલ્તાન બેગડાની સહાયતા જ્યાં સૂધી ન મળે, ત્યાં સૂધી આપણા કાર્યની સિદ્ધિનો પણ સંભવ નથી. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ અત્યારે જ આવી દીન તથા હીન સ્થિતિમાં સુલ્તાન બેગડો આપણો સંબંધી હોવા છતાં તેના સમક્ષ રજૂ થવાનો અને તેની પાસેથી એક ભિક્ષુક પ્રમાણે સહાયતાની ભિક્ષા માગવાનો મારો વિચાર નથી. મારો એવો જ મનોભાવ છે કે અત્યારે કોઈના પણ જાણવામાં ન આવી શકે કે અમો કચ્છના રાજા જામ હમ્મીરના કુમારો છીએ અને અહીં સુલ્તાનની સહાયતા મેળવવાની અભિલાષાથી આવ્યા છીએ એવા ગુપ્ત ભાવથી અને ગુપ્ત વેષથી અમદાવાદમાં રહેવું અને જ્યારે સુલ્તાનપર ઉપકાર કરવાનો અથવા તો પોતાના શૌર્યથી સુલ્તાનને પ્રસન્ન કરવાનો કોઈ યોગ્ય પ્રસંગ પ્રાપ્ત થાય, તે વેળાએ તે ઉપકાર અથવા તો શૌર્યના બદલામાં જ આપણને જોઇતી સહાયતાની તેની પાસેથી યાચના કરવી. એવા પ્રસંગને આવતાં કેટલોક સમય વીતી જાય, તો તેની ચિંતા નથી; કારણ કે, એવા પ્રસંગે સુલ્તાન જે સહાયતા આપશે,