પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

 તેથી આપણા ગૌરવની વૃદ્ધિ થશે અને અત્યારે તે જે સહાયતા આપશે, તેથી આપણા ગૌરવની હાનિ થવાનો સંભવ છે. વળી આ સંસારનો એક એવો નિયમ છે કે વિપદ્‌ગ્રસ્ત મનુષ્યનો બહુધા સત્તાધીશ પુરુષના હૃદયમાં જોઈએ તેવો પ્રભાવ પડી શકતો નથી; તેમ જ મારા અલ્પ વયનો પણ યોગ્ય પ્રભાવ પડે કે ન પડે એ વિશેની પણ મારા હૃદયમાં શંકા રહ્યા કરે છે એટલે કદાચિત્ અત્યારે જ સુલ્તાન પાસેથી આપણે સહાયતાની યાચના કરીએ અને 'નગારખાનામાં તૂતેડીનો અવાજ કોણ સાંભળે છે' એ નિયમ પ્રમાણે આપણી યાચના પ્રતિ સુલ્તાન લક્ષ ન આપે, તો પછી ભવિષ્યમાં પણ એવી માગણી કરવામાટેનો આપણો માર્ગ બંધ થઈ જાય. આ સર્વ કારણોથી અત્યારે તો અમદાવાદમાં ગુપ્ત રહીને યોગ્ય પ્રસંગની પ્રતીક્ષા કરવી એ જ આપણામાટે અધિક ઉત્તમ માર્ગ છે અને એટલામાટે જ આપની સાથે આપના ગૃહમાં રહેવાની પણ મારી ઈચ્છા નથી; કારણ કે, આપના ગૃહમાં એકત્ર નિવાસ કરવાથી આપનાં દાસદાસીઓ અમારા ભેદને જાણી જાય અને અમારી વાર્તા સુલ્તાન સૂધી પહોંચી જાય, તો આપણા મનની અભિલાષા મનમાં જ રહી જાય. અર્થાત્ આજની રાત તો અમો અહીં જ વીતાડીશું. આવતી કાલે અમદાવાદ નગરના કોઈ એકાંત ભાગમાં અમારા નિવાસમાટે આપ કોઈ સારું ભાડાનું મકાન રાખીને અને તેમાં આવશ્યકીય વસ્તુઓની સર્વ યોગ્ય વ્યવસ્થા કરાવીને અમને સંદેશો મોકલજો એટલે અમો તે મકાનમાં જ જઈને રહીશું અને વારંવાર આપને મળ્યા કરીશું. અમને હાલ જોઈએ તેટલા પૈસા ટકાની સગવડ અમારી પાસે છે એટલે એ વિશેની અત્યારે આપે કશી પણ ચિન્તા રાખવાની નથી; ભવિષ્યમાં જો અગત્ય પડશે, તો આપને પરિશ્રમ આપીશું. ભિન્ન ગૃહમાં નિવાસ કરવાનો બીજો હેતુ એ છે કે માર્ગમાં આવતાં ઝાલાવંશની એક ઉત્તમ કન્યા સાથે મારો લગ્નસંબંધ થયો છે અને તેથી જો અહીં ધાર્યા કરતાં વધારે સમય વીતવાનો સંભવ હોય, તો મારી પત્નીને પણ મારે અહીં બોલાવવાં પડશે; કારણ કે, મેં તેમને એ પ્રમાણેનું વચન આપેલું છે." આ પ્રમાણે કહીને ખેંગારજીએ પોતાના તથા સાયબજીના થયેલા લગ્નસમારંભનો વૃત્તાંત પણ અલૈયાજીને કહી સંભળાવ્યો.

ખેંગારજીના એ વિચારોને જાણીને અલૈયાજીને પણ એમ જ લાગ્યું કે તેના એ વિચારો સર્વ પ્રકારે યોગ્ય હતા અને તે સાથે ઉભય ભ્રાતાઓના લગ્નની વાર્તા સાંભળીને તેના મનમાં એક પ્રકારનો સ્વાભાવિક આનંદ થવા લાગ્યો. છતાં પણ તે ખેંગારજીને આગ્રહ