પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
કચ્છનો કાર્તિકેય


કરતો કહેવા લાગ્યો કેઃ "ભલે તમારો ગુપ્ત રહેવાનો અને પોતાના ભિન્ન ગૃહમાં વસવાનો વિચાર છે, તો હું તે માટેની આવતી કાલે સર્વ વ્યવસ્થા કરી આપીશ; પરંતુ આજની રાત મારે ઘેર મેહમાન તરીકે રહેવામાં શો વાંધો છે ? કાંઈ એક જ રાતમાં તમારો ભેદ ખુલ્લો નહિ પડી જાય. અહીં જંગલમાં રહેવું સારું નથી અને તેમાં પણ આ સ્થાન તો વળી મહાભયંકર મનાય છે. આ સ્થાનમાં આ મહાદેવનો પૂજારી ખાકી બાવો જ માત્ર રાતે રહી શકે છે; કારણ કે, મધ્યરાત્રિના સમયમાં અહીં કેટલાક પિશાચો, ભૂતો અને ડાકિનીઓ વિહાર તથા નૃત્ય કરવા માટે આવે છે અને જો કોઈ પણ મનુષ્ય તે વેળાયે અહીં તેમના જોવામાં આવે છે, તો તેનો તેઓ તત્કાળ ભક્ષ કરી જાય છે એવી અહીંના લોકોની દૃઢ માન્યતા છે; માત્ર માન્યતા છે એટલું જ નહિ, પણ એવી રીતે અનેક પ્રવાસીઓ અહીં રાતવાસો કરવાથી અદૃશ્ય થઈ ગયા છે અને તેથી નિશાના સમયમાં આ સ્થાનમાં વાસ કરવાની કોઈ પણ હિંમત કરી શકતું નથી. આ મહાદેવનો પૂજારી ખાકી બાવો એક મહાવિલક્ષણ માંત્રિક, તંત્રવિદ્યાવિષારદ તથા સિદ્ધ પુરુષ હોવાથી માત્ર એને એકલાને જ એ પિશાચ આદિ કશી પણ બાધા કરી શકતાં નથી અને આ કારણથી લોકો એ ખાકી બાવાને બહુ જ માનની દૃષ્ટિથી નિહાળે છે."

અલૈયાજીના મુખથી તે સ્થાનની ભયંકરતાનો તથા તે ખાકી બાવાની સિદ્ધતાનો આ અદ્‌ભુત વૃતાન્ત સાંભળીને ખેંગારજીને મનમાં તો બહુ જ હસવું આવ્યું; છતાં પોતાના મનના એ ભાવને મનમાં જ દબાવી રાખીને બાહ્ય ગંભીરતાને અવિચલ રાખી ખેંગારજીએ કહ્યું કેઃ "પ્રિય બંધુવર્ય, ક્ષત્રિયના કુમારો ભૂત પિશાચ આદિથી કદાપિ ડરતા નથી અને જો પોતાના હસ્તમાં પોતાની અસિ દૃઢ હોય, તો તેઓ એક વાર તો કાળ સાથે લડવાને પણ તૈયાર થઈ જાય છે, એ તો આપ જાણો જ છો એટલે ભૂત પિશાચાદિના ભયથી અમો આ સ્થાનનો પરિત્યાગ કરીએ, એ તો સંભવતું જ નથી; અને તેમાં વળી અહીં રાતવાસો કરવાનું બીજું કારણ એ છે કે જે ખાકી બાવાની સિદ્ધતાની આપ આટલી બધી પ્રશંસા કરો છો, તે ખાકી બાવો અમો જ્યારે અહીં આવ્યા ત્યારે અહીં હતો, પણ ત્યાર પછી તે કોઈ અગત્યના કાર્યમાટે અહીંથી આઠ દશ ગાઉપરના કોઈ સ્થાનમાં જવામાટે ચાલ્યો ગયો છે અને આવતી કાલે તેના પાછા આવતાં સૂધી આ મહાદેવના મંદિર તથા તેની પોતાની પર્ણકુટીને સંભાળવાનો ભાર તે અમારા શિરપર નાખતો ગયો છે. અર્થાત્ અમોએ તેના