પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

આવતાં સૂધી આ સ્થાનમાં રહીને શિવમંદિર તથા પર્ણકુટીને સંભાળવાનું વચન આપેલું હોવાથી વચનનું પાલન અમારે કરવું જ જોઈએ અને તેથી અત્યારે તો નગરમાં અમારાથી કોઈ પણ રીતે આવી શકાય તેમ નથી. અમો અહીં પાંચ જણ હોવાથી આપ અમારા વિશે કોઈ પણ પ્રકારની ચિંતા રાખશો નહિ."

"અન્નદાતા, અમો સ્વામિનિષ્ઠ સેવકો આપના બંધુ કુમારશ્રી ખેંગારજી તથા કુમારશ્રી સાયબજીની સેવામાં જ્યાં સૂધી હાજર છીએ, ત્યાં સુધી આપે એમની લેશ માત્ર પણ ચિન્તા રાખવાની નથી. જો અમારા પ્રાણપક્ષી આ શરીરપિંજરમાંથી ઊડી જશે, તો જ એમનો વાળ વાંકો થશે; અર્થાત્ જ્યાં સૂધી અમે જીવતા છીએ, ત્યાં સૂધી તો એમનો એક વાળ પણ વાંકો થવાનો નથી." ખેંગારજીએ છચ્છરને ખાકી બાવાના અથવા તો કાપાલિકના વધનો અને ત્યાંના ગુપ્ત ધનભંડારનો સમસ્ત ભેદ જણાવેલો હોવાથી છચ્છરે અલૈયાજીને આ પ્રમાણેનું યોગ્ય આશ્વાસન આપ્યું.

છચ્છર પ્રમાણે જ રણમલ્લ તથા તેના ભત્રીજાએ પણ અલૈયાજીના હૃદયનું સાંત્વન કરીને નિર્ભય રહેવાનું જણાવ્યું અને તેથી અંતે નિરુપાય થઈને અલૈયાજી ત્યાંથી જવાની તૈયારી કરતો કહેવા લાગ્યો કે: "વારુ, ત્યારે હવે રાત્રિના આગમનમાં અધિક વિલંબ ન હોવાથી હું ઘેર જવાની આજ્ઞા લઉં છું. આવતી કાલે ગૃહ, ગૃહમાં જોઇતી આવશ્યકીય વસ્તુઓ અને બે ચાર દાસ દાસી આદિની વ્યવસ્થા કર્યા પછી હું તમને સંદેશો કહાવીશ એટલે સંદેશ લાવનાર મનુષ્ય સાથે તમો અમદાવાદમાં આવી તમારા પોતાના ગૃહમાં નિવાસ કરશો અને રાત્રિના સમયમાં હું પણ તમારી મુલાકાતે ત્યાં આવીશ ત્યારે આપણે વિશેષ વાર્તાલાપ કરીશું."

"પરંતુ અમારા આગમનની વાર્તા હાલ તરત જ્યાં સુધી અમો આપને અનુમતિ ન આપીએ, ત્યાં સૂધી આપણાં ભગિની કમાબાઈને પણ કૃપા કરીને જણાવશો નહિ." ખેંગારજીએ એક વિશેષ સૂચના આપી દીધી.

"જો તમારી એવી જ ઈચ્છા છે, તો તમારા આગમનની વાર્તા હું તમારી અનુમતિ મળ્યા પૂર્વે બહેન કમાબાઇને જણાવીશ નહિ; કારણ કે, હું જામ હમ્મીરનાં ઉપપત્નીનો પુત્ર હોવાથી એક રીતે આપનો બંધુ છું, પરંતુ કચ્છ રાજ્યના સિંહાસનના ઉત્તરાધિકારી અને રાણીજાયા રજપૂત હોવાથી અમો બીજી રીતે આપનાં પ્રજાજન છીએ અને તેથી આપની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું એ મારો ધર્મ નથી. આપ