પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
કચ્છનો કાર્તિકેય

મને પોતાનો જ્યેષ્ઠ ભ્રાતા માનો છો અને મારું આટલું બધું માન જાળવો છો, એ આપની ઉદારતા તથા સદ્‌ગુણગ્રાહકતા છે; બાકી હું તો મને પોતાને આપનો એક રાજનિષ્ઠ સેવક જ માનું છું અને આપની સેવાનો આ પ્રસંગ પ્રાપ્ત થયો છે એ મારાં પરમ સદ્‌ભાગ્ય છે, એમ જ ધારું છું." અલૈયાજીએ નમ્રતા તથા વિવેકિતાની પરમસીમા કરી બતાવી.

અલૈયાજીની આ શાલીનતાથી ખેંગારજીની પ્રસન્નતાનો પરમાવધિ થયો અને તેથી તે અલૈયાજીને ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે: "જ્યેષ્ઠ ભ્રાતા, આપનાં માતુશ્રી ભલે આપણા પિતાશ્રીનાં ઉપપત્ની હતાં, છતાં એક ક્ષત્રિય સ્ત્રીમાં હોવા જોઈએ તે સર્વ સદ્‌ગુણોનો તેમનામાં નિવાસ હતો અને તેથી જ તેમણે મારા માતુશ્રી પ્રમાણે જ આપણા પિતાશ્રીની ચિતામાં તેમની સાથે સ્વર્ગગમન કર્યું છે. અર્થાત્ અમો આપનાં માતુશ્રીને અમારાં સગાં માતુશ્રી કરતાં પણ અધિક પૂજ્ય માનતા હતા અને અંત પર્યંત માનીશું. આ દૃષ્ટિથી તો કચ્છ રાજ્યના સિંહાસનના ઉત્તરાધિકારી આપ જ છો, છતાં સાંસારિક વ્યવહાર અથવા રુઢિએ મને જ કચ્છ રાજ્યનો રાજા ઠરાવ્યો છે અને એ રુઢિને માન આપવામાં આપે કોઈ પણ પ્રકારના લોભ તથા દ્વેષ આદિ વિકારને વશ ન થતાં જે ઉદારતા દર્શાવી છે, એ આપનો મારા પર એક પ્રકારનો અગાધ ઉપકાર થયો છે. ધારો કે, હું કચ્છનો રાજા થઈશ, તો પણ મેવાડના ચંદાવતો પ્રમાણે આપનું આસન મારા સિંહાસનની જમણી બાજૂએ રહેશે અને આપની અનુમતિ વિના આપનો આ કનિષ્ઠ ભ્રાતા ખેંગારજી રાજ્યવિષયક કોઈ પણ ગંભીર કાર્ય કરશે નહિ, એ નિશ્ચયપૂર્વક માનજો. માત્ર આપના વિશે મારા હૃદયમાં જે સમભાવ તથા પૂજ્ય ભાવનો નિવાસ છે, તેને વ્યકત કરવાનો અને વ્યવહારમાં યોજી બતાવવાનો પ્રસંગ મને પરમાત્મા સત્વર આપે, એટલી જ તે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં મારી પ્રાર્થના છે."

"પરમાત્મા આપની શુભ મન:કામનાઓને સત્વર સિદ્ધ કરો, એ જ મારી પણ તે દયાઘન પ્રભુના પદપંકજમાં અનન્ય અભ્યર્થના છે." અલૈયાજીએ પણ શુભ વાસના દર્શાવી.

એ પછી અલૈયાજી ત્યાંથી નગરપ્રતિ ચાલ્યો ગયો અને તેના જવા પછી ખેંગારજીએ રણમલ્લ તથા તેના ભત્રીજાને પણ પોતાના વિશ્વાસપાત્ર સેવકો માનીને કાપાલિકના વધનો, તેના અત્યાચારોનો તથા તેના ગુપ્ત ભંડારનો વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાર પછી જણાવ્યું કે: "આજે રાતે આપણે અહીં સર્વથી પ્રથમ જે કાર્ય કરવાનું છે તે એ છે કે આ પર્ણકુટીના ભોંયરામાં કાપાલિકનું જે શબ પડેલું