પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
બેગડાની માગણી

"પરંતુ હુજૂરેવાલાનું કયા ખાસ ઉદ્દેશથી કચ્છમાં પધારવું થયું છે, તે જો હરકત ન હોય તો કૃપા કરીને જણાવશો !" ભૂધરશાહે વિનીતભાવથી પોતાના સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો.

"હું આવ્યો તે વેળાએ તો મારો ઉદ્દેશ એ જ હતો કે આ કચ્છ દેશને જીતીને મારી સલ્તનતમાં મેળવી દેવો," સુલ્તાને એક પ્રકારના વિશિષ્ટ કટાક્ષથી ઉત્તર આપ્યું.

"પણ જહાંપનાહ, કચ્છ દેશને જીતી લઇને લાભ શો મેળવશો ? કારણ કે, આ પ્રદેશ ગુજરાત પ્રમાણે ધનધાન્યની સમૃદ્ધિવાળો નથી. આપના જેવા એક વિશાળ સત્તા અને સંપત્તિ ધરાવતા સુલ્તાનની કીર્તિમાં આ દેશને જીતી લેવાથી શો વધારો થઈ શકશે, તે મારા ધ્યાનમાં આવી શકતું નથી. ડુંગર ખોદીને ઉંદર કાઢ્યા જેવું જ થવાનું,” ભૂધરશાહે કહ્યું.

“ત્યારે શું આ દેશમાં કોઈ પણ સારા પદાર્થની વિપુલતા નથી જ કે ? એમ કદાપિ હોઈ શકે ખરું કે ?” સુલ્તાને આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન કર્યો.

“અમારા કચ્છ દેશમાં માત્ર વાલુકા અને પાષાણ જોઈએ તેટલા વિપુલ પરિમાણમાં મળી શકે છે,” ભૂધરશાહે વિનોદ અને માર્મિકતા મિશ્રિત ઉત્તર આપ્યું.

"ત્યારે શું, અમે અહીં સુધી આવ્યા, તે અમારી તલ્વારનો કોઈ પણ પ્રકારે વિજય કર્યા વિના ખાલી હાથે જ પાછા ચાલ્યા જઇએ કે ? એમ તો બને જ નહિ. જો તમારો રાજા અમારી તાબેદારી કબૂલ કરીને અમુક વાર્ષિક ખંડણી આપવાના કોલકરાર કરતો હોય, તો અમે લડાઈ નહિ કરીએ; પરંતુ જો એમ ન થાય, તો પછી યુદ્ધ વિના બીજો ઉપાય જ નથી,” મહમ્મદ બેગડાએ પોતાને અભિપ્રાય દર્શાવ્યો.

"ખંડણી આપી શકાય એટલી રાજ્યની ઉપજ જ ક્યાં છે જે ! અહીં તો ઢોરોની વિપુલતા છે, માટે એ ઈચ્છા હોય, તો પ્રતિવર્ષ અમુક સંખ્યામાં ઢોરો આપવાને અમે તૈયાર છીએ. અહીં એવી બીજી એક પણ વસ્તુ મારા જોવામાં નથી આવતી કે જે આપના જેવા એક જહાંગીર સુલ્તાનને નજર કરવાને લાયક હોય !” ભૂધરશાહે શાંતિથી કહ્યું.

“એ તે તમારા સાદા પોશાકપરથી જ જણાઈ આવે છે કે આ રાજ્યમાં વધારે સમૃદ્ધિ નહિ જ હોય. તો પણ અમારે અહીંથી ખાલી હાથે પાછા ફરવું પડે, એ તો યોગ્ય ન જ કહેવાય. મેં સાંભવ્યું છે કે, કચ્છના રાજાની રાજકુમારી બહુ જ સ્વરૂપવતી અને સદ્દગુણવતી છે; માટે જો તેનાં લગ્ન મારી જોડે કરી આપવામાં આવે, તો પછી બીજી કોઈ પણ વસ્તુની મને ઇચ્છા કે આકાંક્ષા નથી.