પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

કલ્યાણમાટે જ આ સ્થાનમાં એકત્ર કરાવી રાખી છે એમ માનીને આ સંપત્તિના યોગ્ય ઉપયોગમાટે કોઈ પણ પ્રકારના સંકોચ કિંવા સંશયને હૃદયમાં સ્થાન આપવાનું કાંઈ પણ કારણ નથી. છતાં પણ યોગ્ય સમય આવતાં આપ ધર્મદાન કરો, તો તેમાટે પણ મારી કાંઈ ના નથી. અસ્તુ: આપણે અત્યારના આપણા કાર્યની સમાપ્તિ કરેલી હોવાથી ઉપર જઇને નિદ્રા લઈએ અને વિશ્રાંતિમાં નિશા વીતાડીએ, તો સારું; કારણ કે, રાત વધારે વીતી ગઈ છે અને તેથી જો આપ વિશ્રાંતિ નહિ લ્યો, તો કદાચિત્ આપની પ્રકૃતિ મંદ થઈ જશે, એવી મારા મનમાં ભીતિ રહ્યા કરે છે."

અર્થાત્ પાષાણુમંજૂષ તથા લોઢાની પેટીઓને બંધ કરીને તેમ જ તે ઓરડાના દરવાજાને બંધ કરી સાંકળ ચઢાવીને ખેંગારજી, છચ્છર તથા રણમલ્લે ઉપર જવામાટેની તૈયારી કરી અને પ્રથમ ખેંગારજી, પછી છચ્છ૨ અને છેવટે રણમલ્લ અનુક્રમે ઉપરના ઓરડામાં આવી ગયા. છચ્છરે ત્યાર પછી નીચેના ભૂગર્ભકક્ષમાં જવાના ઉપરના મુખરુપ દ્વારને ઢાંકી દીધું અને તેની ઉપર ગાલીચો પાથરી દીધો. ખેંગારજી તથા સાયબજીને કાપાલિકની પર્યકશય્યામાં સૂવાડીને છચ્છર પોતે હસ્તમાં નાગી તલવારને રાખી તેમના રક્ષણમાટે ત્યાં જાગતો જ બેસી રહ્યો. રણમલ્લ અને તેનો ભત્રીજો પોતાના ઊંટ પાસે બિત્તર લગાવીને નિદ્રાવશ થયા. ખેંગારજીના કૃષ્ણાશ્વને તો છચ્છરે પર્ણકુટીની પાસે જ લાવીને બાંધી દીધો હતો; કારણ કે, તે અશ્વ શુભશકુનરુપ હોવાથી તેના રક્ષણની પણ અત્યંત આવશ્યકતા હતી. કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના રાત્રિનો અવશિષ્ટ સમય આનંદમાં વીતી ગયો અને બીજા દિવસના રમણીય પ્રભાતના ઉત્સાહવર્ધક દર્શનનો વિશ્વના જીવોને લાભ મળી ચૂક્યો. આખી રાતનું અખંડ જાગરણ હોવા છતાં પણ પ્રભાતમાં સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈને છચ્છરે રસોઈની તૈયારી કરવા માંડી અને મધ્યાહ્ન પૂર્વે તો તેઓ ભોજનના કાર્યથી પણ નિવૃત્ત થઈ ગયા. બહુધા તૃતીય પ્રહરની સમાપ્તિ અને ચતુર્થ પ્રહરના આરંભના સંધિકાળમાં અલૈયાજીનો એક અનુચર ખેંગારજી પાસે આવ્યો અને તેણે નગરમાં ચાલવામાટેનો અલૈયાજીનો સંદેશ તેને સંભળાવ્યો. છચ્છર તથા રણમલ્લને ત્યાં જ રાખીને ખેંગારજી પોતાના બંધુ સાયબાજી તથા રણમલ્લના ભત્રીજાને પોતાની સાથે લઇને નગરપ્રતિ જવાને પ્રયાણ કરી ગયો. આ વેળાએ ખેંગારજી પોતાના અશ્વપર તથા સાયબજી અને રણમલ્લનો ભત્રીજો ઊંટપર આરુઢ થયા હતા અને અલૈયાજીનો અનુચર તેમને માર્ગ બતાવતો તેમની આગળ આગળ ચાલ્યો જતો હતો.