પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
અહમ્મદાબાદમાં નિવાસ

જતા હતા અને ખેંગારજી તથા સાયબજીનાં પ્રભાવશાલી તથા તેજસ્વી મુખમંડળોને જોઇને અહમ્મદાબાદ નગરનાં લોકો-સ્ત્રીઓ તથા પુરુષો-આશ્ચર્યચકિત તથા સ્તબ્ધ થઈ જતાં હતાં. ખેંગારજી તથા સાયબજીએ તેમનો હાલ તરત અહમ્મદાબાદમાં ગુપ્ત નિવાસ હોવાથી ઈન્દ્રસિહ અને ચંદ્રસિંહ એવાં બીજાં નામો ધારણ કરી લીધાં હતાં અને તેથી ત્યાંનાં લોકો તેમને એ નામોથી જ ઓળખતાં હતાં.

ખેંગારજીએ સારા કારીગર સૂતારોને બોલાવી ચાર મોટા મંજૂષ (મજૂસ) તૈયાર કરાવી લીધા. પછી કાપાલિકના ગુપ્ત ધનભંડારને નિત્ય અલ્પ પ્રમાણમાં લઈ આવવાના કાર્યનો આરંભ કરી દીધો. નિત્ય ત્રણ મનુષ્ય પોતાના અશ્વના ખુજિનમાં ભરીને સુવર્ણમુદ્રા, રજતમુદ્રા તથા અલંકારો લાવતા હોવાથી આઠ દશ દિવસમાં તો સર્વ સંપત્તિ અહમ્મદાબાદમાંના તેમના આગારમાં આવી ગઈ અને ત્યાર પછી મહાદેવની અર્ધમૂર્તિ તથા અષ્ટભુજા દેવીની લઘુ મૂર્તિને પણ તેમના પર માટીનું લેપન કરીને માટીની મૂર્તિઓ તરીકે તેઓ ઉપડાવી લાવ્યા. તંત્રવિદ્યા તથા મંત્રવિદ્યાના પુસ્તકો પણ ત્યાં આવી ગયાં; માત્ર એટલું જ નહિ, પણ કાપાલિકાની કેટલીક અન્ય વસ્તુઓ પણ ખેંગારજીના આગારમાં વિરાજવા લાગી. રણમલ્લનો ઉંટ ૫ણ નગરમાં આવી ગયો હતો એટલે હવે નદી પારના કાપાલિકના સ્થાનમાં તો માત્ર છચ્છર અને રણમલ્લ એ બે જણ જ ખાકી બાવા પ્રમાણે ખાઈ પીને પડ્યા રહેતા હતા.

એક દિવસ ખેંગારજીએ છચ્છરને કહ્યું કેઃ "છચ્છર ભાઈ, હવે આ સ્થાનમાં તમે શામાટે પડ્યા રહ્યા છો. વારુ ? કારણ કે, આપણા કાર્યની તો ક્યારનીયે સમાપ્તિ થઈ ચૂકી છે એટલે હવે તમો તથા રણમલ્લભાઈ પણ નગરમાં આવીને અમારી સાથે જ રહો, તો વધારે સારું; કારણ કે, અમને તમારા વિના ત્યાં જરા પણ ગમતું નથી, આ શિવાલય અને કાપાલિકની આ પર્ણકુટી એ કાંઈ આપણું સદાનું નિવાસસ્થાન નથી અને તેથી આ પર્ણકુટીમાં આવીને ભલે ભૂતો નાચતાં, એની ચિંતા આપણે શામાટે રાખવી જોઈએ ?"

"મહારાજ, આ સ્થાન આપણું નિવાસસ્થાન છે એમ ધારીને અથવા તો આ પર્ણકુટીની શી અવસ્થા થશે એવી ચિન્તાથી હું આ સ્થાનમાં પડ્યો રહ્યો છું, એમ જો આપ ધારતા હો, તો એમ ધારવામાં આ૫ની ભૂલ થાય છે. હું અહીં જ પડ્યો રહ્યો છું એનું કારણ માત્ર એટલું જ છે કે ચાંડાલ જામ રાવળનો સ્વભાવ અત્યંત નીચ હોવાથી તે હજી પણ આપને અને સાયબજીને શોધી કાઢવાના અને