પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
કચ્છનો કાર્તિકેય

તેમ છે જ નહિ અને વળી આપની આજ્ઞાને સર્વદા માન આપીને વર્તવું એ જ મારો ધર્મ હોવાથી એ દૃષ્ટિથી જોતાં ૫ણ આપની આજ્ઞાનો મારાથી અનાદર કરી શકાય તેમ નથી. ભલે આપની ઇચ્છા હશે, તે વેળાયે આપણે તે મલ્લોના અખાડામાં ચાલીશું અને તેમના શિષ્ય થઈને મલ્લવિદ્યાના અભ્યાસનો આરંભ કરીશું." સાયબજીએ અત્યંત વિનયપૂર્વક જ્યેષ્ઠ ભ્રાતાની ઈચ્છાને અનુમોદન આપી દીધું.

બીજે જ દિવસે ખેંગારજી તથા સાયબજી મલ્લરાજ જયચંદ્ર તથા દેવચંદ્ર પાસે જઈ વિધિપૂર્વક તેમના શિષ્ય થઈને તેમની મલ્લવિદ્યાશાળામાં પ્રવિષ્ટ થયા અને નિત્ય નિયમપૂર્વક ત્યાં જઈને મલ્લવિદ્યાનાં ભિન્ન ભિન્ન અંગોનો અભ્યાસ કરવા લાગ્યા. એ વિદ્યાના અભ્યાસમાં તેમણે પોતાની બુદ્ધિની એવી તો તીવ્રતા તથા તીક્ષ્ણતા બતાવવા માંડી કે ગુરુ એક દાવ બતાવે તે બીજા પાંચ દાવ તેઓ પોતાની બુદ્ધિથી જ શોધી કાઢતા હતા અને અન્ય સાધારણ વિધાર્થી જેટલું શિક્ષણ એક માસમાં પણ ન મેળવી શકે તેટલું શિક્ષણ તેઓ માત્ર એક દિવસમાં જ મેળવી લેતા હતા. લગભગ છ કે સાત માસ જેટલા અલ્પ કાલાવધિમાં તેઓ અસિચાલન, ગદાચાલન, શરસંધાન, નાલિકાચાલન, ખડ્‌ગચક્ર, ભાલાબાજી, મલ્લયુદ્ધ, અશ્વવિદ્યા, શબ્દવેધ અને પ્રમાણવેધ આદિમાં એટલાબધા નિષ્ણાત થઈ ગયા કે સર્વત્ર તેમની બુદ્ધિમત્તા તથા બલિષ્ટતાની પ્રશંસા થવા લાગી અને આવા તેજસ્વી, પ્રતિભાશાળી તથા કુલીન શિષ્યોના યોગે તેમના વિદ્યાદાતા ગુરૂજનોનું પણ સર્વત્ર આગળ કરતાં સોગણું વધારે ગૌરવ થવા લાગ્યું. આપણામાં એક એવી કહેવત પ્રચલિત છે કેઃ 'બાપ અચ્છા તો બેટે કાવ; ઓર બેટા અચ્છા તો બાપે લા'વ !' અર્થાત્‌ જો પિતા સારો હોય, તો પુત્રને શું ? અને પુત્ર સારો હોય, તો પિતાને તો બહુ જ લ્હાવો છે; કારણ કે, કોઈ વાર એવા બનાવો પણ બને છે કે, પિતા સારો હોવા છતાં જો પુત્ર નઠારો નીવડે છે, તો સારા પિતાના પ્રભાવથી તેના દુર્ગણો ઢંકાતા નથી; પરંતુ પિતા નઠારો હોવા છતાં જો પુત્ર સારો નીવડે છે, તો તે પુત્રના સદ્‌ગુણોના યોગે પિતાના દુર્ગુણો ઢંકાઈ જાય છે અને લોકો એમ જ બોલવા માંડે છે કેઃ 'સારા પિતાનો પુત્ર પણ સારો જ થાય છે !' એ જ નિયમ અનુસાર જો શિષ્ય નામાંકિત નીવડે છે, તો તેના યોગે ગુરુની પ્રતિષ્ઠા પણ વધે છે અને એ જ નિયમ અત્યારે એ ગુરુશિષ્યાના સંબંધમાં અક્ષરશઃ સત્ય સિદ્ધ થયેલો જોવામાં આવતો હતો. આવા ઉત્કૃષ્ટ શિષ્યોના યોગે ગુરુઓને અલભ્ય ગૌરવ તથા કીર્તિની પ્રાપ્તિ તો થઈ