પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા

જેવી જ મારી સર્વથા દયાજનક દશા થઈ પડી છે ! કદાચિત્‌ ખેંગારજી, સાયબજી અથવા રાયબજી આ રાજ્ય અને આ સતાને મારી પાસેથી છીનવી લેશે, તો ? આ શંકા અને આ ભીતિથી દિવસ અને નિશા મારા હૃદયને ત્રાસ તથા અશાંતિનો સાક્ષાત્કાર થયા કરે છે. મારામાટે સુખ પણ નથી અને વિશ્રામ પણ નથી. આવા ભયંકર રાજ્યસુખ કરતાં તો જેમાં ચિત્તાનો ભાસ માત્ર પણ નથી એવો અંતકાળ આવીને મને આ સંસારમાંથી સદાને માટે લઈ જાય, તે જ વધારે સારું છે ! !"

જામ રાવળ પોતાના મહાલયમાંના એક ભાગમાં પોતાના વિશ્વાસપાત્ર રાજકર્મચારીઓ તથા શુભેચ્છકોની ગુપ્ત સભા ભરીને બેઠો હતો; ચામુંડરાજ તથા શિવજી આદિ પણ એ ગુપ્ત સભામાં હાજર હતા; મદિરા તથા કસૂંબાના પાનનો વ્યવસાય ચાલી રહ્યો હતો; બે ખવાસણો જામ રાવળને મદિરા પાતી અને પંખાવડે હવા નાખતી 'ખમ્મા ખમ્મા' કરતી ઊભી હતી; બે ત્રણ ખવાસો બાપૂના મોઢામાંથી પડતા બોલને ઝીલી લેવામાટે હાથ જોડીને હુજૂરીમાં હાજર ઊભા હતા અને નાનાપ્રકારની વાર્તાઓ ચાલી રહી હતી એવામાં જામ રાવળના મુખમંડળમાં નિરાશાની કાલિમા વિસ્તરી ગઈ અને તેના મુખમાંથી ઉપર્યુક્ત નિરાશાજનક ઉદ્‌ગારો અચિંત્ય નીકળી પડ્યા.

જામ રાવળના આવા નિરાશાજનક અથવા નિરાશાદર્શક ઉદ્‌ગારોના શ્રવણથી પ્રથમ તો એ ગુપ્ત સભામાં ભયંકર મૌન કિંવા નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું અને કેટલીક વાર સૂધી કોઇના મુખમાંથી એક પણ શબ્દ બહાર ન નીકળ્યો. કેટલીક વાર પછી ચામુંડરાજ મૌનનો ભંગ કરીને ગંભીરતાથી કહેવા લાગ્યો કેઃ "અન્નદાતા, જામ હમ્મીરની હત્યા કરી નાખ્યા પછી તેમના કુમારોને પકડીને આપણી તલ્વારોના શિકાર બનાવવામાટે આપણે કાંઈ થોડા ઘણા અથવા જેવા તેવા પ્રયત્નો તો નથી જ કર્યા; છતાં પણ તેઓ આપણા પંજામાંથી છટકી ગયા છે, તો એ આપણો દોષ નથી; કારણ કે, 'यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः' એ ન્યાય વિશ્વવિખ્યાત છે અને તેથી હવે એ વિષયની ચિન્તા રાખવી સર્વથા નિષ્પ્રયોજન છે. અત્યારે આપ શ્રીમાન્‌ કચ્છદેશના સર્વસત્તાધીશ અને સ્વતંત્ર ભૂપાલ છો એટલે હવે આપની પાસેથી આ કચ્છદેશની રાજસત્તા તેઓ આવીને છીનવી લે, એ કદાપિ બની શકે તેમ નથી; કારણ કે, કચ્છરાજ્યની રાજલક્ષ્મી, રાજસત્તા અને રાજસેના આદિ સર્વ આપના અધિકારમાં છે; આસપાસના કેટલાક રાજાઓ આપના મિત્ર છે અને આપની