પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા

છુપાયેલા ખેંગારજી તથા સાયબજીને, તેમના ભેદને જાણવા છતાં પણ, શિવજીએ જાણી જોઇને જામ રાવળના પંજામાંથી બચાવ્યા હતા, તે વેળા એ શિવજી બીજો હતો અને આજે તે જ ખેંગારજી તથા સાયબજીને મારી નાખવામાટેનું બીડું ઝડપીને અમદાવાદ જવામાટે તૈયાર થયેલો શિવજી બીજો હતો ? અથવા તો શિવજીની તે સમયની ભાવના બીજી હતી અને અત્યારની ભાવના બીજી હતી ? શું તે સમયનો દયાળુ, અનુકંપાશીલ, ન્યાયપરાયણ અને નિસ્પૃહ શિવજી અત્યારે પિશાચના પ્રપંચજાળમાં કિંવા માયાના મોહજાળમાં સપડાઈને દયાહીન, અનુકંપારહિત, અન્યાયપરાયણ અને સ્વાર્થલોલુપ થતાં ધર્મ તથા અધર્મ, નીતિ તથા અનીતિ અને સત્કર્મ તથા કુકર્મના વિવેકને સર્વથા ભૂલી ગયો હતો અને પાપના પંકમાં અવિચારથી ડુબી ગયો હતો ? આ શંકાના સમાધાનમાં અમો કેવળ એટલું જ જણાવી શકીએ તેમ છીએ કે કેટલીક વાર અત્યંત અધર્માચારી પુરુષો કોઈ એક કારણથી ક્ષણ માત્રમાં જ પરમ ધર્માત્મા થઈ જાય છે અને કેટલીક વાર પરમધાર્મિક પુરુષ પણ માયામોહનીમાં સપડાઈને અધર્મ તથા પાપના અનન્ય ઉપાસક બની જાય છે એટલે શિવજીના હૃદયનું પણ જો એવા કોઈ કારણથી અચાનક પરિવર્તન થઈ ગયું હોય, તો તેમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી. છતાં પણ અત્યારે, શિવજી અવશ્ય પાપાત્મા જ થયો હતો, એમ નિશ્ચયપૂર્વક તો આપણાથી કહી શકાય તેમ નથી; કારણ કે, કેટલીક વાર એવો પ્રસંગ આવી પડે છે કે જે પ્રસંગે મનુષ્યને પોતાની વાણી અને ભાવનાને અથવા તો વાચા અને કૃતિને ભિન્ન કરી નાખવી પડે છે. અર્થાત્ ભવિષ્યમાં શિવજીના હસ્તથી જે કૃતિ થશે, તે કૃતિના આધારે આપણાથી તેની પાપિષ્ઠતા કિંવા ધર્મશીલતાનો નિર્ણય કરી શકાશે, એ કારણથી અત્યારે તો એ વિષયમાં મૌનને ધારણ કરી લેવામાં જ અધિક સાર સમાયલો છે.

બીજે દિવસે ચામુંડરાજ, શિવજી અને અન્ય ચાર રાજકર્મચારીઓ તેમ જ તેમના છ અનુચર મળીને બાર મનુષ્ય કચ્છની નવીન રાજધાનીમાંથી અમદાવાદ ભણી જવાને રવાના થયા અથવા અન્ય શબ્દોમાં કહીએ, તે ખેંગારજી તથા સાયબજીના શિરપર વિપત્તિના મેઘોની એક નવીન ઘટા ઘેરાવા લાગી.

−+−+−+−+−