પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
કચ્છનો કાર્તિકેય
અષ્ટમ પરિચ્છેદ
અમદાવાદમાં હાહાકાર!

ખેંગારજી તથા સાયબજી પોતાપોતાની પત્નીના સમાગમમાં અહમ્મદાબાદમાં અનુકૂલ સમયની પ્રતીક્ષા કરતા આનન્દથી સમય વિતાડી રહ્યા હતા અને જામ રાવળ તરફથી અમદાવાદમાં દીર્ધ કાળથી તેમને કશો પણ ઉપદ્રવ થયેલો ન હોવાથી તેઓ તેના તરફથી તેવો ઉપદ્રવ થવાની વાર્તાને તથા છચ્છરની શંકાને બહુધા ભૂલી જ ગયા હતા; પરંતુ છચ્છરની શંકા સત્ય સિદ્ધ થવાનો સમય કેટલો બધો નિકટમાં આવતો જતો હતો, એ તો ગત પરિચ્છેદમાં આપણે જોઈ ચૂક્યા છીએ. અસ્તુ: પણ હજી ચામુંડરાજ આદિ રાવળના મોકલેલા ખેંગારજીના પ્રાણુશત્રુ અમદાવાદમાં પહોંચ્યા નહોતા એટલામાં બનાવ એવો બન્યો કે અમદાવાદની પાસેના એટલે કે સાભ્રમતી નદીના પશ્ચિમીરપ્રાંતમાં વિસ્તરેલા એક નિબિડ અરણ્યમાં વસતા એક મૃગરાજ સિંહે લોકોને અત્યંત ત્રાસ આપવા માંડ્યો અને તેથી અમદાવાદમાં સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો.

જે નિબિડ અરણ્યમાં તે મૃગરાજ સિંહ વસતો હતો, તે અરણ્યમાં વૃક્ષોનો એટલો બધો વિસ્તાર હતો અને વૃક્ષોની એવી તો ઘાટી ઘટા જામી ગઈ હતી કે ધોળે દિવસે પણ તે વૃક્ષઘટામાં સૂર્યનાં કિરણોનો પ્રવેશ થઈ શકતો નહોતો અને તેથી ત્યાં દિવારાત અંધકાર અને અંધકાર જ વ્યાપેલો રહેતો હતો. હિંસ્ર પશુઓના નિવાસમાટે એ અરણ્ય એક સર્વથા નિર્ભય સ્થાન હોવાથી તેમાં અનેક પ્રકારના હિસ્ર પશુઓ વ્યાધ્ર, વરાહ, રીંછ, વરુ અને ભુંડ તથા ડુક્કર આદિ વસતાં હતાં અને તેઓ આજે કેટલાંક વર્ષથી અમદાવાદની આસપાસનાં પરાંના નિવાસીઓને તથા પ્રવાસીઓને અસહ્ય ત્રાસ આપ્યાં કરતાં હતાં; કારણ કે, તેઓ રાત્રિના સમયમાં અરણ્યમાંના પોતપોતાનાં સ્થાનમાંથી નીકળીને પરાંની ભાગોળો પાસે આવી પોતાના વિલક્ષણ અને ભયંકર ધ્વનિથી પ્રથમ સર્વને ભયભીત કરતાં હતાં અને ત્યાર પછી ગાય, ભેંસ, બળદ, બકરું કે મેઢું જે કાંઈ નજરે પડે તેને મારીને તેના માંસના ભક્ષણથી પોતાની ક્ષુધાને શાંત કરતાં હતાં, માત્ર એટલું જ નહિ, પણ કેટલીક વાર તો પરાંના અંતભાગમાં પ્રવેશીને મનુષ્યોનો પણ સંહાર કરી નાખતાં હતા. તેમના એ અસહ્ય ઉપદ્રવ તથા ઉપદ્રવ્યાપની વાર્તા જ્યારે સુલ્તાન મહંમદ બેગડાના સાંભળવામાં આવી એટલે તેણે તત્કાળ તે સમસ્ત અરણ્યને