પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
અમદાવાદમાં હાહાકાર

મધ્યાહ્ન થતાં સૂધીમાં તો સમસ્ત અમદાવાદમાં વ્યાપી ગયા, અને તેથી સર્વત્ર સુલ્તાનની પ્રજાવત્સલતાની એક્વાક્યતાથી પ્રશંસા થવા લાગી. ખેંગારજીના બજારમાં ગયેલા અનુચરોએ આ વાત સાંભળી અને તેમણે ઘેર આવીને એ વાર્તા ખેંગારજીને સંભળાવી. સુલ્તાન પોતે જ તે સિંહને મારવામાટે જવાના છે, એ વાર્તા ખેંગારજીના જાણવામાં આવતા જ તેના મનમાં એક વિશિષ્ટ આકાંક્ષાનો ઉદ્‌ભવ થયો અને તેથી તત્કાળ અલૈયાજીને પોતા પાસે બોલાવીને તે કહેવા લાગ્યો કે:−

"વડિલ બંધુ અલૈયાજી, મારી મનોદેવતા આજે મને એમ જ કહ્યા કરે છે કે: 'ખેંગાર, તું અમદાવાદના સુલ્તાનને પોતાના શૌર્યથી પ્રસન્ન કરવાના જે પ્રસંગની પ્રતીક્ષા કરે છે, તે પ્રસંગ આજે આવી લાગ્યો છે; એટલામાટે આ અલભ્ય પ્રસંગને હાથમાંથી જવા દઈશ નહિ અને તારા શૌર્યનું સુલ્તાનને આ પ્રસંગે સંપૂર્ણ દર્શન કરાવી દેજે; કારણ કે, તારા અત્યારના શૌર્યથી જ તારા ભાગ્યેાદયનો સમય નિકટ આવવાનો છે.' તો હવે આપનો એ વિશે શું અભિપ્રાય છે ?"

"ભાઈ, હું આપના આ સંદિગ્ધ સંભાષણના મર્મને સમજી શકતો નથી; તો કૃપા કરીને આપનો જે કાંઈ પણ આશય હોય, તે સ્પષ્ટતાથી કહી સંભળાવો એટલે પછી હું મારો જે અભિપ્રાય હશે, તે વિચાર કરીને દર્શાવીશ." અલૈયાજીએ કહ્યું.

અલૈયાજીના આ શબ્દો સાંભળીને ખેંગારજીએ પોતાના આશયને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં કહેવા માંડ્યું કે:−

"આવતી કાલે પ્રભાતમાં સુલ્તાન પોતે પેલા વિકરાળ સિંહને મારવા માટે હાથીની અંબાડીમાં બેસીને બે હજાર ઘોડેસવારો ના લશ્કર સહિત જવાના છે, એ વાત તો આપના સાંભળવામાં પણ આવી ચૂકી હશે; એટલે મારી એવી આકાંક્ષા છે કે સિંહ૫રના એ બાદશાહી આક્રમણસમારંભમાં મારે પણ યોગ્ય કિંબહુના અગ્રેસર ભાગ લેવો અને જો પ્રસંગ મળે, તો તે ઉન્મત્ત સિંહને મારીને સુલ્તાનના અનુગ્રહને પાત્ર થવું. બાહુબળથી ભાગ્યપરીક્ષાનો આવો અવસર વારંવાર પ્રાપ્ત થવાનો નથી અને તેથી આ અવસરનો યોગ્ય લાભ લઈ લેવો, એ જ મારા માટે ઈષ્ટ છે. મને લાગે છે કે મારી ભાગ્યદેવી અવશ્ય મને આ સાહસકર્મમાં યશ અપાવશે અને તે યશના ૫રિણામે અવશ્ય મારી અન્ય આશાઓ પણ સફળ થઈ જશે."

ખેંગારજીના આ વિચારોને જાણીને અલૈયાજી કેટલીક વાર સૂધી તો આશ્ચર્યમાં પડી જતાં અવાક્ થઈ ગયો અને ત્યાર પછી