પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
બેગડાની માગણી

મહાભયંકર ચિન્તામાં પડી ગયો. થોડી વાર સૂધી તો તે કાંઈ પણ બોલ્યો નહિ. અન્તે તેણે ભૂધરશાહને કહ્યું કેઃ “પરંતુ અમો આર્ય અને ઉત્તમ ક્ષત્રિય, અને તે મુસલ્માન સુલ્તાન; એટલે આ શરીરસંબંધ બની જ કેમ શકે ?”

“આપની આ વાત સાચી છે; પણ કરવું કેમ ? એ વિના બીજો કોઈ ઉપાય જ નથી” ભૂધરશાહ બોલ્યો.

"કોઈ રીતે નાણાંની રકમ આપીને તેનું મન મનાવી શકાય તેમ નથી કે ?” હમ્મીરજીએ પાછો સવાલ કર્યો.

"સુલ્તાનનું ડાચું ભરી શકાય, એટલું બધું નાણું આપણા ખજાનામાં છે ખરું કે ?” પ્રધાન સુધરશાહે સામે સવાલ કર્યો.

“શું નાણાંની તે એટલી મોટી રકમ માગશે કે જે આપણાથી ન જ આપી શકાય ?” હમ્મીરજીએ સાશંક મુદ્રાથી પૂછ્યું.

"ત્યારે આપ શું ધારો છો વારુ ? ગમે તેવો પણ એ સુલ્તાન છે, એટલે જેવી તેવી રકમ એના ધ્યાનમાં પણ આવે ખરી કે ?” પ્રધાને કહ્યું.

"ભૂધરશાહ, તમે મારા હિતૈષી અને રાજ્યનું કલ્યાણ ઇચ્છનાર સચિવ છો, તો પણ એટલું તો મારે કહેવું જ જોઈએ કે વાણિયા હોવાથી તમારામાં આત્માભિમાન કિંવા સ્વાભિમાનનો અભાવ જ છે. નાણાંની આપણાથી બની શકે તેટલી રકમ આપવા છતાં પણ જો સુલ્તાન ન માનતો હોય, તો હું યુદ્ધ કરીશ અને યુદ્ધભૂમિમાં મારા પ્રાણનું બલિદાન આપીશ; પરંતુ મુસલ્માનને કન્યા આપીને કચ્છના રાજ્યકર્ત્તા જાડેજાઓની નિર્મળ કીર્તિને સદાને માટે કલંકિત તો નહિ જ થવા દઉં. શું, સુલ્તાન પુરુષ છે અને આપણે હાથમાં બંગડીઓ પહેરીને બેઠા છીએ કે ? આમ નહિ બને તે નહિ જ બને !” હમ્મીરજીએ પોતાના ક્ષત્રિયસ્વભાવનું દર્શન કરાવીને કોપથી એ વાક્યો ઉચ્ચાર્યા.

"અન્નદાતા, આપ વિના કારણ ઉશ્કેરાઈ જાઓ છો. જો શાંતિથી વિચાર કરી જોશો, તો તરત આપને દેખાઈ આવશે કે કમાબાઈનાં લગ્ન સુલ્તાન સાથે કરી આપવાથી આપના રાજકુળને કલંક લાગવાને લેશ માત્ર પણ સંભવ નથી.” ભૂધરશાહે માર્મિક્તાથી કહ્યું.

"શું કમાબાઈ મારી પુત્રી નથી ?” પ્રધાનના સત્ય આશયને ન સમજવાથી હમ્મીરજીએ વિચિત્ર પ્રશ્ન કર્યો.

"ત્યારે શું અલૈયાજી આપના પુત્ર નથી ? અલૈયાજી આપના સર્વથી જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં કુમારશ્રી ખેંગારજીને યુવરાજપદ શામાટે આપવામાં આવ્યું છે વારુ ?” ભૂધરશાહે કહ્યું.