પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
અમદાવાદમાં હાહાકાર

તેથી હવે ખેંગારજીના જીવનરક્ષણનો ભાર પરમાત્માના શિરપર નાખી દઈને વિશેષ આગ્રહ ન કરતાં તેણે ખેંગારજીને એ વિષયમાં તેની ઇચ્છા અનુસાર વર્તવાની આનન્દથી અનુમતિ આપી દીધી. ખેંગારજી અત્યંત પ્રસન્ન થયો અને અલૈયાજીના ગમન પછી તત્કાળ તેણે સિંહના સંહારસમારંભમાં જવામાટેની યોગ્ય તૈયારીઓ કરવા માંડી.

* * * * *

પ્રભાત થવા પૂર્વે જ ઉષઃકાળમાં નિદ્રામાંથી જાગ્રત થઈને ખેંગારજી તથા સાયબજીએ નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાનાદિ કરી પોતાનાં શરીર પર કવચ ધારી લીધા. ખેંગારજીએ દેવીની આપેલી સાંગને પોતાના દક્ષિણ બાહુમાં ઉપાડી લીધી અને બીજાં શસ્ત્રો પણ ધારણ કરી લીધાં. સાયબજીએ પણ ઢાલ, તલ્વાર, ધનુષ્ય બાણ તથા નાલિકા આદિ શસ્ત્રાસ્ત્રોવડે પોતાના શરીરને શૃંગાર્યું અને ત્યાર પછી ઉભય ભ્રાતાઓ પોતપોતાના અશ્વપર આરુઢ થઈને પોતાની પત્ની તથા દાસદાસીઓને પ્રણામ કરી તેમના આશીર્વાદોને સ્વીકારીને 'ભદ્ર' ભણી જવાને વીરવેષથી રવાના થઈ ગયા. જ્યારે તેઓ 'ભદ્ર'ના દ્વારપાસે આવી પહોંચ્યા ત્યારે ત્યાંની સૈન્યરચનાને તથા ત્યાંની તૈયારીને જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થયા અને તેમનાં તેજસ્વી મુખમંડળોને જોઈને અન્ય જનો આશ્ચર્યમુગ્ધ થવા લાગ્યાં. અર્થાત કેટલીક વાર સુધી ત્યાં પરસ્પર આશ્ચર્યનો વ્યાપાર ચાલી રહ્યો.

'ભદ્ર'ના દ્વાર સમક્ષ સુલ્તાનના બે હજાર ઘોડેસવાર સિપાહો પંકિતબદ્ધ થઈને ઊભા હતા અને સુલ્તાનનો અંબાડીદાર હાથી પોતાની દૃષ્ટિને 'ભદ્ર'ના દ્વારમાં સ્થિર કરીને સુંઢને હીલવતો ઊભેલો હોવાથી જાણે પોતાના સ્વામી સુલ્તાનના આગમનની તે આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યો હોયની ! એવો જ ભાસ થતો હતો. સૈનિકોના અગ્રભાગમાં અને સુલ્તાનના હાથીની પાસે સિપાહસાલાર પોતે પોતાના અરબી અશ્વને લગામથી કાબુમાં રાખવાની ચેષ્ટા કરતો ઊભો હતો; વાદ્યવાદકો પણ હાજર હતા અને એક ઘોડેસવાર ઇસ્લામની અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાને હસ્તમાં ધારણ કરેલી હતી. શેરના શિકારમાટે જનારી સુલ્તાનની એ સવારીના સમારંભને જોવામાટે ત્યાં એકત્ર થયેલા નાગરિકોની પણ એટલી બધી ભીડ જામી ગઈ હતી કે જો એક બાજૂથી થાળીને ચક્રાકાર ફેરવી નાખી હેય, તો તે ફરતી ફરતી મનુષ્યોનાં શિરપરથી જ બીજી બાજુએ નીકળી જાય, પણ તેને ભૂમિનો સ્પર્શ થઈ શકે નહિ. કેટલાક સમય એવી રીતે વીત્યા પછી ચોબદારે નેકી પુકારીને સુલ્તાનના આગમનની સુચના આપી, સુલ્તાન આવ્યો