પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
કચ્છનો કાર્તિકેય

અને સર્વ સૈનિકો તથા સેનાપતિ એ શસ્ત્રો નમાવીને તેને માન આપ્યું; હાથીને બેસાડીને માવતે સીડી માંડી દીધી એટલે તેપર ચઢીને સુલ્તાન અંબાડીમાં બેઠો અને અત્યારે તેણે વીરોચિત પોષાક ધારણ કરેલો હોવાથી તેના બેસવાથી હાથીને પણ શોભાની પ્રાપ્તિ થવા લાગી. અર્ધચંદ્રચિન્હાંકિત પતાકાનો વાહક અગ્રભાગમાં ચાલવા લાગ્યો, તેની પાછળ વાઘવાદકો અને એક હજાર સવારો ચાલવા લાગ્યા, તે પછી સેનાપતિ તથા સુલ્તાનનો હાથી ચાલતા હતા અને બાકીના એક હજાર સૈનિકો પાછળ ચાલ્યા આવતા હતા. ખેંગારજી અને સાયબજી પોતાના અશ્વોને સુલ્તાનના હાથીની બે બાજુએ રાખીને ચાલ્યા જતા હતા. આવા સમારંભથી સુલ્તાન બેગડાની સવારી 'ભદ્ર'ના દ્વારમાંથી નીકળીને નદીની દિશામાં ચાલવા લાગી અને નદીને ઓળંગ્યા પછી બહુ જ અલ્પ સમયમાં એ સવારી જે અરણ્યમાં તે વિકરાળ સિંહનો નિવાસ હતો, તે અરણ્યના સીમાપ્રાંતમાં આવી પહોંચી. ત્યાર પછી ધીમે ધીમે સુલ્તાનની સવારીએ અરણ્યના આંતરિક ભાગમાં પ્રવેશ કરવા માંડ્યો.

«»«»«»
નવમ પરિચ્છેદ
બાહુબળથી ભાગ્યપરીક્ષા

અરણ્યમાંના અમુક સ્થાનમાં આવ્યા પછી ત્યાંના જાણીતા પારધીઓ તથા વાઘરીઓના કહેવાથી સવારીને આગળ વધતી રોકવામાં આવી; કારણ કે, તે નરધાતક સિંહરાજની ગુહા ક્યાંક એટલામાં જ હતી. સવારીને રોક્યા પછી વાદ્યોના ધ્વનિ તથા અન્ય પ્રકારના નાદ તેમ જ કેટલાક અન્યાન્ય પ્રયત્નવડે તે સિંહને તેની ગુહામાંથી બહાર કાઢવાના ઉદ્યોગોનો આરંભ કરવામાં આવ્યો. એટલા બધા પ્રયત્નો તેને તેની ગુહામાંથી બહાર કાઢવામાટે કરાતા હતા તેનું કારણ એ હતું કે વૃક્ષોની એક ઘાટી ઘટાના અત્યંત ગંભીર ભાગમાં તેની ગુહા આવેલી હતી અને તે વૃક્ષઘટામાં એક અશ્વારોહી સૈનિક પણ પ્રવેશ કરી શકે તેમ નહોતું. જો મનુષ્ય એકલો જાય, તો પણ તે વૃક્ષરાજીમાં તેને નમીને ચાલવું પડે તેમ હતું અને માર્ગ સંકુચિત હોવાથી સામેથી તે સિંહ આવી ચડે, તો તે મનુષ્યના જીવનની રક્ષા સર્વથા અસંભવિત હતી એટલે તે વૃક્ષરાજીમાંથી બહાર નીકળીને તે મૃગરાજ મેદાનમાં ન આવે, ત્યાં સુધી તેના સંહારનો સંભવ બહુધા નહોતો જ, એમ કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ થાય તેમ નથી. અનેક પ્રકારના નાદો કરવા છતાં પણ જ્યારે