પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
કચ્છનો કાર્તિકેય

દૃષ્ટિ તો સુલ્તાન અને સુલ્તાનના ગજરાજમાં જ તલ્લીન થયેલી હતી અને ગજરાજપર આક્રમણ કરવામાટેના અવસરની તે પ્રતીક્ષા કરતો જ બેઠો હતો. સુલ્તાને તેને આવી રીતે શાંતિથી બેઠેલો જોઈને વળી પણ તિરસ્કારદર્શક શબ્દોથી કહ્યું કેઃ “અરે શિયાળવા, આમ શાંત થઈને આ નરસિંહને જોઈ શું રહ્યો છે ? ઊઠ, ઊભો થઈ જા, આગળ વધી આવ અને મારા ભાલાના આધાતને શરીરપર ઝીલી લેવા માટે તૈયાર થા !” આમ કહીને સુલ્તાને પોતાના હાથમાંના ચમકતા ભાલાને તે મૃગપતિપર ઉગામ્યો અને તે જોઈને તત્કાળ તે વિકરાળ વનરાજ ઊઠીને ઊભો થઈ ગયો.

વનરાજે પોતાના પુચ્છને પોતાના પૃષ્ઠભાગ પર અફાળીને જેવી બીજી ભયાનક ગર્જના કરી કે તેવા જ પોતાના પૃષ્ઠપર સૈનિકોને ધારણ કરીને ઊભેલા અશ્વો ત્યાંથી પ્રાણ લઇને પલાયન કરવા લાગ્યા અને સૈનિકોની તથા સુલ્તાનના અંગરક્ષકોની સુલ્તાનથી દૂર થવાની ઇચ્છા ન હોવા છતાં પણ અશ્વો તેમને તેનાથી દૂર લઈ ગયા. સાયબજીનો અશ્વ પણ જરાક પાછો હટી ગયો, પણ ખેંગારજીનો અશ્વ માત્ર પોતાના સ્થાનથી લેશ માત્ર પણ ભ્રષ્ટ ન થતાં પર્વત પ્રમાણે અચલતાથી ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો. વનરાજ સિંહ સંપૂર્ણ નિર્ભયતાથી એક જબરી છલાંગ મારીને ઉછળતાંની સાથે જ ગજરાજના કુંભસ્થળપર જઈ પડ્યો અને તેથી ગભરાયલો માવત આંખોમાં અંધારાં આવવાથી તમ્મર ખાઈને ભૂમિપર પછડાઈ પડ્યો. પ્રબળ સિંહારાજનું પોતા પર આક્રમણ થતાં એક લઘુ ગિરિરાજ સમાન વિશાળકાય ગજરાજ પણ ભયથી થરથર કંપવા લાગ્યો. મદોન્મત્ત સિંહ સુલ્તાનની અંબાડીની એટલો અડોઅડ આવી રહ્યો હતો કે જો તે પોતાના વિશાળ પંજાને આગળ લંબાવે, તો સુલ્તાનને અંબાડીમાંથી બહાર ખેંચી કાઢતાં તેને જરા પણ વિલંબ થવાનો સંભવ ન હતો તેમ જ વળી ગજરાજના ગંડસ્થળને તે એવી રીતે ચોંટ્યો હતો કે સુલ્તાનથી તેના પર શસ્ત્રનો આધાત કરી શકાય તેમ હતું જ નહિ. અર્થાત્ સુલ્તાનને અત્યારે બે બાબતોની સંભાળ રાખવાની હતી અને તે એ કે તે સિંહ પોતાનો પંજો ક્યારે ઉઠાવે છે તે જોયા કરવું અને જો તે આક્રમણ કરે, તો આત્મરક્ષણના પ્રયત્નમાટે તત્પર રહેવું પોતાના સૈનિકો તથા અંગરક્ષકોના અશ્વોને ચારે દિશામાં પલાયન કરતા જોઈને સુલ્તાન અત્યંત નિરાશ થઈ ગયો અને તેથીથોડી વાર પૂર્વે જે સિંહને તેણે તુચ્છતાદર્શક 'શ્વાન'ના સંબોધનથી બોલાવ્યો હતો, તે જ સિંહ હવે તેને યમરાજ અથવા 'મલકુલમ્