પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
કચ્છનો કાર્તિકેય

મારી, પણ એટલામાં સાયબજીએ પોતાની તલ્વારને સિંહની ગ્રીવાપર ચલાવી દીધી અને તેથી તેનું શરીર બે ભાગમાં વિભક્ત થઈ જવાથી તેના જીવનનાટકની પરિસમાપ્તિ થઈ ગઈ.

સારાંશ એટલો જ કે, જે મહાભયાનક વનરાજ સિંહે થોડી વાર પહેલાં સુલ્તાન મહમ્મદ બેગડાને, તેના ગજરાજપર ભયંકર આક્રમણ કરીને, મરણનો સાક્ષાત્કાર કરાવી દીધો હતો અને જેણે એક વાર અમદાવાદની પ્રજામાં હાહાકારનો વિસ્તાર કર્યો હતો; તે મહામદોન્મત્ત કેસરીસિંહના અસ્તિત્વને સદાને માટે મટાડી દઈને ખેંગારજી તથા સાયબજીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો કચ્છદેશના બે રાજકેસરીઓએ સુલ્તાન બેગડાના પ્રાણ પણ બચાવ્યા અને અમદાવાદની પ્રજાને પણ તે સિંહના ત્રાસથી સર્વથા મુક્ત કરી દીધી. જ્યારે વનરાજ સિંહનો પાત થયો, ત્યારે જ સુલ્તાનના જીવમાં જીવ આવ્યો. હવે તેણે પોતાના ઉદ્ધારક બે વીરકુમારોને સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જોયા અને કહ્યું કેઃ “વીરકુમારો, જો કે હું તમને ઓળખતો નથી, છતાં પણ તમારાં મુખમંડળોમાં વ્યાપેલી ઓજસ્વિતાથી તથા તમારી આજની અદ્‌ભુત વીરતાથી એટલું તો અવશ્ય જણાઈ આવે છે કે તમો અવશ્ય કોઈ કુલીન તથા વીર ક્ષત્રિય પિતાના પુત્રો છો. અસ્તુ: અત્યારે વિશેષ વાર્તાલાપ કરવાનો સમય ન હોવાથી હું માત્ર એટલું જ કહું છું કે, આજે તમોએ પોતાના પ્રાણોને ભયમાં નાખીને આ સુલ્તાન બેગડાના પ્રાણની રક્ષા કરી છે, તો આ સુલ્તાન બેગડો તમારી આ વીરતાનું અને તમારી આ રાજભક્તિનું તમને યોગ્ય પારિતોષિક અવશ્ય આપશે જ. આવતી કાલે તમારા સન્માન તથા ગૌરવમાટે હું એક ખાસ દરબાર ભરવા ઈચ્છું છું, અને તે દરબારમાં પધારવાનું તમને અત્યારે જ આમંત્રણ આપી મૂકું છું. લ્યો આ મારી રાજચિન્હાંકિત સુવર્ણમુદ્રિકા એ મુદ્રિકા દ્વારપાળને દેખાડશો એટલે તે દરબારમાં તો શું, પણ મારા ખાનગી મહલમાં પણ તમને બેધડક આવવા દેશે.”

ખેંગારજીએ કૃતજ્ઞતા દર્શાવીને તે રાજમુદ્રા લઈ લીધી અને સુલ્તાનનો તેની ઉદારતામાટે યોગ્ય શબ્દોમાં ઉપકાર માન્યો. માવત શુદ્ધિમાં આવીને સુલ્તાનના ગજરાજને નગરભણી લઈ ચાલ્યો અને ત્યાર પછી ખેંગારજીએ, તેનો પોતાનો અશ્વ મરી ગયેલો હોવાથી, કોઈ સૈનિકના એક ખાલી અશ્વને પકડી લઈને તેનાપર, આરોહણ કર્યું અને ઉભય બંધુઓ સુલ્તાનની કૄપા મેળવીને ત્યાંથી ઘરભણી જવાને ચાલતા થયા.