પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

માંથી મળવાનો સંભવ નહોતો, ત્યારે પછી તે પ્રશ્નનું ઉત્તર આપતાં જ તેણે અંતઃપુરમાં પ્રવેશ કર્યો કે જે આપણે જોઈ ચૂક્યા છીએ.

ખેંગારજી તથા સાયબાજીનાં નામો સાંભળીને કમાભાઈ તથા સુલ્તાન બેગડો બન્ને આશ્ચર્યચકિત થઈ ગયાં અને થોડી વાર સુધી વિચારમગ્ન રહ્યાથી તેઓ કાંઈ પણ બોલી શક્યાં નહિ. છેવટે કમાબાઈએ કહ્યું કે, “આપણા બંધુઓ અમદાવાદમાં આવ્યા છે અને તે વૃત્તાન્ત તમો મને આજે સંભળાવો છો ? પણ હા, કદાચિત્ તમને પણ તેમના અહીં આવવાની ખબર નહિ હોય અને તમે પણ એ વાર્તાને આજે જ જાણી શક્યા હશો.”

"ના, બહેન, એમ નથી.” અલૈયાજીએ હવે સર્વ સત્ય વૃત્તાંત જણાવવા માંડ્યો. “ખેંગારજી તથા સાયબજીને અહીં અમદાવાદમાં આવ્યાને નહિ નહિ, તો પણ આજે લગભગ પોણા બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પણ તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે વિપત્તિગ્રસ્ત હોવાથી કાંઈ પણ પરાક્રમ કરી દેખાડ્યા વિના સુલ્તાન સલામત સમક્ષ પ્રકટ થવાની તેમની ઇચ્છા નહોતી અને તેટલા માટે જ એ ભેદ તમને જણાવવાની પણ તેમણે મને ના પાડી હતી; કારણ કે, તેમના અમદાવાદનિવાસની વાર્ત્તા જો તમારા જાણવામાં આવી જાય, તો તે વાર્તા તમે સુલ્તાન સલામતને જણાવી દ્યો, એ નિઃશક: હતું. આજે ઈશ્વરની કૃપાથી યોગ્ય પરાક્રમ બતાવવાનો અને તે પરાક્રમમાં વિજય મેળવવાનો યોગ તેમને પ્રાપ્ત થયો છે એટલે હવે તેમના એ ભેદને વધારે વાર અવ્યક્ત દશામાં રાખવાની આવશ્યક્તા નથી.” અલૈયાજીએ ત્યાર પછી જામ રાવળની દુષ્ટતાનો, જામ હમ્મી-રજીના ઘાતનો, છચ્છરની રાજભક્તિનો, ભીયા કક્ક્લનાં સાત સંતાનોના બલિદાનનો, ખેંગારજી તથા સાયબજીના માર્ગમાં થયેલા લગ્નસંબંધનો અને અમદાવાદમાં તેમણે કરેલા યુધ્ધવિદ્યા આદિના અભ્યાસનો સવિસ્તર વૃત્તાન્ત સુલ્તાન સલામતને કહી સંભળાવ્યો.

અલૈયાજીના કથનની સમાપ્તિ થઈ એટલે કમાબાઈએ આર્જવતાથી પોતાના પતિને પ્રાર્થના કરી કે “પ્રાણનાથ, મારા બાંધવોને જોવા તથા મળવામાટે મારાં નેત્રો તથા હૃદય તલસી રહ્યાં છે અને તેથી જો આપ શ્રીમાનની આજ્ઞા હોય, તો અત્યારે જ હું મારા તે વીર બાંધવોને અહીં બોલાવું.”

"બેગમ, એમાટે મારી પરવાનગી લેવાની જરૂર જ શી છે, વારુ ? કારણ કે, એક તો તેઓ તમારા બંધુ છે અને આજે વળી તેમણે મને પોતાને પણ ઉપકારના ભારથી દાબી નાખ્યો છે એટલે