પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
કચ્છનો કાર્તિકેય

તેમને ખરી રીતે તો મારે જ અહીં બોલાવવા જોઇએ, તેને બદલે તમો બોલાવો છો, એ તો ઠીક; અને હું તેમને બોલાવવાની અનુમતિ પણ ન આપું, તો પછી મારા જેવો એહસાનફરામોશ-કૃતજ્ઞ-કોણ હોઈ શકે વારુ ? તમારા તે બહાદુર બિરાદરોને બાખુશી બોલાવો." સુલ્તાન બેગડાએ પોતાની ઉદારતા તથા કૃતજ્ઞતાનો પૂર્ણ પરિચય કરાવ્યો.

કમાબાઈનાં સંકેતથી અલૈયાજીએ પોતાના એક અનુચરને ખેંગારજી તથા સાયબજીને સત્વરે ત્યાં લઈ આવવા માટે મોકલી દીધો અને ત્યાર પછી તે પોતે પોતાની ભગિની તેમ જ ભગિનીપતિ સાથે આમ તેમની બીજી કેટલીક વાતો કરવા લાગ્યો. ખેંગારજી તથા સાયબજીના આવતાં સૂધીમાં લગભગ અર્ધ પ્રહર જેટલો સમય વીતી ગયો; કારણ કે, જ્યારે અલૈયાજીનો અનુચર તેમના આગારમાં જઈ પહોંચ્યો તે વેળાયે તેઓ યુદ્ધવેષને ઉતારીને જમવા બેઠા હતા એટલે જમતાં અને ત્યાર પછી યોગ્ય વસ્ત્ર આદિ પરિધાન કરતાં સ્વાભાવિક જ વિલંબ થવાનો સંભવ હતો. પ્રથમ એક બાંદીએ આવીને સુલ્તાન તથા સુલતાનાને ખેંગારજી તથા સાયબજીના આવવાના સમાચાર આપ્યા અને સુલ્તાનનો તેમને સત્વર ત્યાં લાવવામાટેનો હુકમ થતાં જ તે બાંદીએ તેમને લાવીને સુલ્તાન સમક્ષ હાજર કરી દીધા. ખેંગારજી તથા સાયબજીએ સુલ્તાનને ઉચિત નમન કર્યું અને ત્યાર પછી બહેન કમાબાઈનાં નેત્રોમાંથી બંધુઓનાં દુ:ખડાં અથવા ઓવારણાં લેતાં અશ્રુની શ્રાવણ ભાદ્રપદની જલવૃષ્ટિ સમાન ધારા વહેવા લાગી; કારણ કે, પિતાના મરણનું દુ:ખ કમાબાઈના હૃદયમાં તાજું થઈ આવ્યું અને તેથી તે પોતાના અશ્રુપાતરુપ વેગને વધારે વાર રોકી ન શકી. તે ગદ્‌ગદ સ્વરથી અને ડૂસ્કાં ભરતી ભરતી કહેવા લાગી કેઃ "ભાઈ, આપણે બધાં નબાપા અને નમાયાં થઈ ગયાં! અરેરે તમારી આ અભાગણી બહેનને માતાપિતાના છેવટના મેળાપનો લાભ પણ ન મળ્યો ! ભાઈ, હવે મને 'મારી લાડકી કમાં !' કહીને કોણ બોલાવશે અને 'મારી કમૂડી !' કહીને માતા વિના છાતી સરસી કોણ ચાંપશે ! અરેરે, મા બાપ તો કોઈ દુશ્મનનાં ૫ણ ન મરશો ! હાય, આ શોકના સમયને જોવાનો દારુણ યોગ પણ આપણા ભાગ્યમાં વિધાતાએ લખ્યો હતો ને ! હાય રે, હું જ કેમ ન મરી ગઈ કે આ દુ:ખ તો ન જોવું પડત ! ........." શોકનો વેગ અત્યંત વધી જવાથી કમાબાઇથી વધારે બોલી ન શકાયું અને તેથી તે પોતાના પાલવવડે મુખને ઢાંકીને ચુપ રહીને જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી ડૂસ્કાં ભરવા લાગી.