પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
કચ્છનો કાર્તિકેય

"એનું કારણ એ છે કે, અલૈયોજી મારી રખાયતનો પુત્ર છે અને ખેંગારજી રાણીજાયો રાજકુમાર છે," હમ્મીરજીએ કહ્યું.

"એજ નિયમ કમાબાઇને પણ લાગૂ પડે છે. કમાબાઈ આપની રખાયતના ઉદરથી જન્મેલાં પુત્રી છે; કાંઈ રાણીજાયાં નથી," પ્રધાને મૂળ કારણનું દર્શન કરાવ્યું.

"માન્યું કે, કમાબાઈ રાણીજાયાં નથી, પરંતુ તે રાજબીજ છે, એની તો તમારાથી ના પાડી શકાય તેમ નથી જ," હમ્મીરજીએ બીજો વાદ ઉપસ્થિત કર્યો.

"બીજની જાતિ એક હોવા છતાં તે જેવી ભૂમિમાં વવાઇને ઉગી નીકળે છે તે ભૂમિની યોગ્યતા પ્રમાણે તેના પાકની યોગ્યતામાં ભેદ રહેલો હોય છે. અલૈયાજી રાજબીજ હોવા છતાં રાણીજાયા ન હોવાથી જેમ યુરાજપદવીને યોગ્ય ગણાતા નથી, તેવી જ રીતે કમાબાઈ પણ રાજબીજ હોવા છતાં રાણીજાયાં ન હોવાથી રાણીજાયાં રાજકુમારી જેટલી તેમની યોગ્યતા અને પ્રતિષ્ઠા ન હોય એ સર્વથા સ્વાભાવિક જ છે. એટલામાટે જ મારો એ આગ્રહ છે કે આ લગ્ન કરી નાખવાં. આમ કરવાથી જેટલો અત્યારે આપણને લાભ છે, તેટલો જ કિંબહુના તેથી વધારે લાભ કમાબાઈનો પોતાનો પણ છે," પ્રધાને યથાર્થ બુદ્ધિવાદ કરીને કહ્યું.

"એમાં કમાબાઈનો શો લાભ છે વારુ?" હમ્મીરજીએ પૂછ્યું.

"એ જ કે, કમાબાઈ રાણીજાયાં રાજકુમારી ન હોવાથી કોઈ પણ ક્ષત્રિય રાજકુમાર તો એમનું પાણિગ્રહણ કરવાનો નથી જ અર્થાત્ કમાબાઈ કોઈ નીચ કુળના અને સાધારણ સ્થિતિના મનુષ્યનાં પત્ની થાય, તેના કરતાં સુલ્તાનની સુલ્તાના બનીને અગાધ રાજવૈભવ ભોગવે એ શું તેમનો મોટામાં મોટો લાભ નથી કે ?" પ્રધાને કહ્યું.

"પ્રધાનજી, તમારું કથન સત્ય છે અને તમારા કથનથી મારા મનમાંની સર્વ શંકાઓ જતી રહી છે. આ સંબંધ સાંધવામાં હવે હું કશો પણ વાંધો જોતો નથી. માત્ર એક શંકા થાય છે અને તે એ કે કમાબાઈ પોતે આ વાર્ત્તાને કબૂલ કરશે કે કેમ ? જો તે હઠ પકડીને ના પાડશે, તો માત્ર અડચણ આવશે." હમ્મીરજી બોલ્યો.

"પુત્રી માતાના વચનને વિશેષ માન આપે છે; માટે આપ પોતે પધારીને કમાબાઈનાં માતુશ્રીને બધી વાત સમજાવશો, તો તેઓ ભલાં, ભોળાં અને આપપ્રતિ અત્યંત પ્રેમ ધરાવનારાં હોવાથી પોતાની પુત્રીને ગમે તેમ કરીને સમજાવશે અને ખરા રસ્તાપર લાવશે," પ્રધાને મંત્રણા આપી.