પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

કમાબાઈના આ કલ્પાંતને જોઇને ખેંગારજી, સાયબજી તથા અલૈયાજીની આંખોમાંથી પણ ચોધારાં આંસૂ વહી નીકળ્યાં; માત્ર એટલું જ નહિ પણ વજ્ર્ સમાન છાતીના સુલ્તાન બેગડાની આંખોમાં પણ ઝળઝળિયાં ભરાઈ આવ્યા. જાણે જામ હમ્મીરજીનો આજે અને અત્યારેજ સ્વર્ગવાસ થયો હોયની ! અને તેની રાણી તથા રખાયત જાણે અત્યારે જ પતિની ચિતામાં બળીને સતી થઈ હોયની ! એવા પ્રકારના શોકમય દૃષ્યનો ત્યાં અધિકાર વ્યાપી ગયો અને કેટલીક વાર સૂધી તો મૌનનું સામ્રાજય ત્યાં વિસ્તરી રહ્યું. કેટલીક વાર પછી જ્યારે રોદન તથા અશ્રુપાતના યોગે તે બંધુ ભગિનીના શોકનો વેગ ન્યૂન થયો એટલે પછી ખેંગારજી પોતાની ભગિનીને આશ્વાસન આપતો ગંભીરતાથી કહેવા લાગ્યો કે: –

"વ્હાલાં બહેન, હવે વિશેષ કલ્પાંત કરવાથી કાંઈ પણ લાભ થાય તેમ નથી; આપણાં પિતામાતાનો અંત એવી રીતે જ સૃજાયલો હશે એટલે વિધાતાના લેખને કોણ મિથ્યા કરી શકે વારુ ? હવે માત્ર આપણું એ જ કર્તવ્ય છે કે આપણા પિતાના ઘાતક દુષ્ટ જામ રાવળ પાસેથી એ પિતૃહત્યાનો બદલો લેવો અને કચ્છનું ગયેલું રાજ્ય પાછું મેળવવું. જો એ કર્તવ્યનું આપણા હસ્તથી પાલન થશે, તો આપણાં પિતામાતાના આત્માઓ સ્વર્ગમાં પણ સંતોષ પામશે અને આપણાં મસ્તકપર આશીર્વાદોની અખંડ વૃષ્ટિ વર્ષાવ્યા કરશે. બાકી 'નામ તેનો નાશ' એ તો એક ત્રિકાલાબાધ્ય નિયમ છે અને તે માટે શોક કરવો વ્યર્થ છે."

"ભાઈ, જે ઈશ્વરે તમને શત્રુના પંજામાંથી બચાવીને નિર્વિઘ્ન અહીં પહોંચાડ્યા છે અને તમને આજે સિંહના સંહારના કાર્યમાં વિજય અપાવ્યો છે, તે જ ઈશ્વરે તમારી બીજી શુભ ઇચ્છાઓને પણ પૂર્ણ કરશે. પરંતુ ભૂંડા, તમો આજે પોણા બે વર્ષથી અમારા અહમ્મદાબાદ નગરમાં વસો છો અને તમારી આ બહેનને મળવાની તમને પરવા જ નથી, એ તે તમારી કેવી લાગણી !" કમાબાઈએ પોતાના મનમાં જે માઠું લાગ્યું હતું તે મોઢેથી કહી સંભળાવ્યું.

કમાબાઈને પુષ્ટિ આપતો સુલ્તાન બેગડો પણ શોક દર્શાવતો કહેવા લાગ્યો કે: "તમે અમારા સંબંધી હોવાથી જો અહમ્મદાબાદમાં આવ્યા પછી તત્કાળ અમને મળ્યા હોત, તો શું અમો તમારો સત્કાર ન કરત અને તેમને જોઈતી સહાયતા ન આપત કે ? ખરેખર તમોએ આટલા લાંબા વખત સૂધી અહમ્મદાબાદમાં ગુપ્ત રહેવામાં અને અમારી પાસે ન આવવામાં માટી ભૂલ કરી છે."