પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
કચ્છનો કાર્તિકેય


કમાબાઈ તથા સુલતાનનાં આ વાક્યોને સાંભળી લીધા પછી ખેંગારજી શાંત ભાવ તથા શાંત મુદ્રાથી કહેવા લાગ્યો કેઃ "હજરત સલામત, અમારાં કૃપાળુ ભગિની જે કહે છે તે પણ સત્ય છે અને આપ જે કાંઈ ફર્માવો છો તે પણ રાસ્ત છે; આપની તો એવી લાગણી હોવી જ જોઈએ અને તે છે, એ જોઇને અમને અતિશય આનંદ થાય છે; છતાં પણ તે વેળાયે અમારા હૃદયમાં એવી શંકા રહ્યા કરતી હતી કે વિપત્તિના સમયમાં જો આપના હસ્તે અમારો યોગ્ય સત્કાર ન થાય, તો પછી આપ પાસેથી સહાયતા મેળવવાની અમારી આશાનો સર્વથા લય થઈ જાય; એટલે એના કરતાં યોગ્ય પ્રસંગે કાંઈક પણ પરાક્રમ બતાવી આપની પ્રસન્નતાને મેળવ્યા પછી જ આપને મળવું અને સહાયતાની યાચના કરવી. આજે ઈશ્વરની કૃપાથી અમારી તે ઇચ્છા પૂરી થઈ છે અને તેથી હવે આપ પાસેથી યોગ્ય સહાયતા માગતાં અમો લેશ માત્ર પણ અચકાઈએ તેમ નથી; કારણ કે, હવે બહેન આપ્યાની સગાઇથી અમારે કાંઈ મેળવવાનું નથી; કિંતુ હવે જે કાંઈ અમે મેળવીશું, તે અમારા બાહુબળના પરિણામે જ અમો મેળવવાના છીએ."

"શાબાશ; બહાદુર ક્ષત્રિય કુમારો શાબાશ ! હવે મને પણ એમ જ જણાય છે કે આટલા દિવસ ગુપ્ત રહેવામાં તમોએ ઘણી જ સારી બુદ્ધિ વાપરી છે; કારણ કે, જો તે વેળાયે જ તમે મારી પાસે આવ્યા હોત, તો તમારી બહેનના તથા અલૈયાજીના આગ્રહથી હું તમને જોઈતી મદદ તો આપત, પણ તમારો પોતાનો મારા હૃદયમાં કાંઈ પણ પ્રભાવ પડી શકત નહિ અને આજે તમારો પોતાનો મારા હૃદયમાં સંપૂર્ણ પ્રભાવ પડી ગયો છે એટલે તે પ્રસંગ અને આ પ્રસંગમાં જમીન તથા આસ્માન જેટલો અંતર છે, એની કોઈથી પણ ના પાડી શકાય તેમ નથી." એવી રીતે ખેંગારજી તથા સાયબજીની બુદ્ધિમત્તાની પ્રશંસા કરીને પછી સુલ્તાને પૂછ્યું કેઃ "ત્યારે હવે મારી પાસેથી શી સહાયતા મેળવવાની તમારી ઇચ્છા છે વારુ ?"

"ખુદાવંદ, જેના યોગે અમો દુષ્ટ જામ રાવળ પાસેથી અમારા પિતાશ્રીના ઘાતના વૈરનો બદલો વાળી શકીએ અને કચ્છનું રાજ્ય પાછું મેળવી શકીએ, એટલી જ સહાયતા આપની પાસેથી મેળવવાની અમારી ઇચ્છા છે. વળી એ સહાયતા અમો એવી શર્તે મેળવવા માગીએ છીએ કે જ્યારે અમારું રાજ્ય અમને પાછું મળી જશે, ત્યારે અમને સહાયતા આપવામાં આપને જેટલાં નાણાં ખર્ચવા પડ્યાં હશે તેટલાં નાણાં અમો વ્યાજ સુદ્ધાં વાળી આપીશું અને અમારા પક્ષમાં