પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

અલ્પ સમયમાં જ સુલતાન સલામત દરબારમાં પધારશે, એવી સભાસદોને સૂચના મળી ગઈ. સર્વ જનો સુલ્તાનને માન તથા અભિનંદન આપવામાટેની તૈયારી કરવા લાગ્યા એટલામાં તો ચોબદારોએ નેકી પુકારી અને સુલ્તાન બેગડાએ સભાસદનમાં પ્રવેશ કર્યો. સર્વ સભાજનોએ પ્રથમ તેને ઉત્થાન આપ્યું અને જ્યારે તે મસ્નદપર બેઠો એટલે સર્વ જનો ભૂમિપર્યંત મસ્તક નમાવી તેને ત્રણ સલામો કર્યા પછી પોતાનાં આસનોપર બેસી ગયા. સુલ્તાનને મસ્નદપર બેઠેલો જોઈને ભાટચારણોનો એક અગ્રેસર ભાટ અથવા કવિ પોતાની આશીર્વાદાત્મક કવિતા લલકારવા જતો હતો એટલામાં દ્વારપાલે ખેંગારજી તથા સાયબજીના આવવાના સમાચાર આપ્યા અને તે સાંભળતાં જ સુલ્તાન પોતે તેમને માન આપવામાટે તખ્તપરથી ઊઠીને ઉભો થઈ ગયો. સુલ્તાન ઊઠ્યો એટલે સર્વે સભાસદો ઊઠ્યા અને ખેંગારજી તથા સાયબજી પોતાના રાજવંશીય વેશમાં જ્યારે દરબારમાં આવ્યા ત્યારે તેમને જોઈને સર્વ જનો આશ્ચર્યચકિત થઈ ગયા. સુલ્તાને માનપૂર્વક ખેંગારજીને પોતાની મસ્નદ પાસેના જમણી બાજૂના આસન પર તથા સાયબજીને ડાબી બાજૂના આસનપર બેસાડ્યા અને ત્યાર પછી ભાટને તેની કવિતા લલકારવાની આજ્ઞા આપવામાં આવી. ભાટ ચારણોના આશીર્વાદની સમાપ્તિ થતાં તવાયફે આનંદદર્શક મધુર સંગીતનો આરંભ કરી દીધો અને સંગીતની સમાપ્તિ પછી કેટલાક વક્તાઓનાં ભાષણ પણ થયાં. એ પછી સુલ્તાને પોતાના રાજકર્મચારીઓ તથા નાગરિકોને ઉદ્દેશીને અત્યંત ગંભીર મુખમુદ્રા, ગંભીર વાણી તથા ગંભીર સ્વરથી કહેવા માંડ્યું કે:—

"મારા વજી઼રે આજમ, જંગબહાદુર સિપાહસાલાર, સરદારો, જાગીરદારો અને રઇસો, ગઈ કાલના શેરના શિકારમાટે આપણે કરેલી ચઢાઇમાં હું પોતે જ શેરના મોઢામાં કેવી રીતે સપડાઈ ગયો હતો અને શેરનો શિકાર કરવા જતાં શેરના હાથે મારો શિકાર થઈ જવાનો અણીનો કેવો વખત આવી લાગ્યો હતો, એ હું જાણું છું અને મારો ખુદા જાણે છે ! પણ હજાર હજાર શુક્ર તે બારે હકતાલાના કે જેણે આ બે બહાદુર જવાનોને મારી મદદે મોકલી આપ્યા અને એમની બહાદુરીથી જ મારી જાન બચી ગઈ; કારણ કે, મારા સઘળા સિપાહો તેમના અશ્વો કાબૂમાં ન રહી શક્વાથી ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા અને જો આ જવાંમર્દો ન આવ્યા હોત, તો મારા બચાવનું મારી પાસે બીજું કાઈ પણ સાધન હતું નહિ. હું એમ કહેવા નથી માગતો કે મારા સિપાહો હેચકારા કે બાયલા હતા અને તેઓ શેરના ડરથી પોતાનો જીવ બચાવવાને જ નાસી ગયા હતા; કારણ કે, મારા જે