પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
કચ્છનો કાર્તિકેય

સિપાહો, જે જવાંમર્દ શેરનર અને જે સૂરમાઓની મદદ તથા જાંનિસારીથી હું ચાંપાનેર તથા જૂનાગઢ જેવા બે મજબૂત ગઢો (ગહ્‌ડો)ને મેળવવાને સમર્થ થયો છું અને વિશ્વમાં બેગડો કહેવાઉં છું, તે મારા બહાદુર લશ્કરના બાહુબળનું જ પરિણામ છે; એટલે એવા બહાદુર સિપાહો શેરથી ડરીને નાસી જાય, એ તો બને જ નહિ. ત્યારે અહીં સવાલ એ આવીને ઉભો રહે છે કે તેઓ નાઠા શા કારણથી ? એ સવાલના જવાબમાં હું જણાવીશ કે ગઈ કાલે પરવરદિગારની જ એવી મરજી હતી કે મારા એ સિપાહોને દૂર ખસેડીને આ વીર રાજકુમારોને મારા પ્રાણરક્ષણનું શ્રેય અપાવવું કે જેથી એ રાજકુમારોને અત્યારે જોઇતી સહાયતા મારી પાસેથી મળી શકે. આ રાજકુમાર અન્ય કોઈ નહિ, પણ કચ્છદેશના જન્નતનશીન જામ સાહેબ હમ્મીરજીના પુત્ર ખેંગારજી અને સાયબજી છે; એટલે કે, એઓ મારા નિકટના સંબંધી છે, એ નવેસરથી કહેવાની આવશ્યકતા છે જ નહિ. પરંતુ અહીં ખાસ કરીને એક વાર્તા જણાવવાની અગત્ય છે અને તે એ કે આ વીર રાજકુમારોએ સંબંધના કારણથી મારી પાસેથી સહાયતા મેળવવાનું યોગ્ય ધાર્યું નથી અને તેથી આજે પોણા બે વર્ષથી અહમ્મદાબાદમાં હોવા છતાં મને તો એમના દર્શનનો લાભ ગઈ કાલે કટોકટીના પ્રસંગે જ મળ્યો છે. એમણે મને ઉપકારના ભારથી એવો તો દબાવી દીધો છે કે જ્યાંસૂધી મારી મદદથી એઓ પોતાના રાજ્યને મેળવી એમના પિતાના ધાતક શત્રુ જામ રાવળને તેના વિશ્વાસઘાતની યોગ્ય શિક્ષા નહિ આપે, ત્યાંસૂધી મારું હૃદય શાંત થવાનું નથી. હું એમનો જેટલો પણ સત્કાર કરું તેટલો ઓછો જ થવાનો છે; કારણ કે, એમણે ગઈ કાલે પોતાના જીવનનો વિચાર ન કરતાં સાક્ષાત્‌ મરણના મુખમાં જઇને મારા જીવનની રક્ષા કરી છે અને મને નવીન જીવન આપ્યું છે. છતાં પણ હું આશા રાખું છું કે, અત્યારે હું એમનો જે કાંઈ પણ અલ્પસ્વલ્પ સત્કાર કરવા ઇચ્છું છું, તે મારા સત્કારનો એઓ અસ્વીકાર નહિ કરે અને મને સંતોષવાનો યથાસાધ્ય ઉદાત્ત પ્રયત્ન કરશે."

આ પ્રમાણે બોલીને સુલ્તાને પોતાના ખિદમતગારોને સંકેત કરી દીધો અને તે સંકેતના અર્થને સમજી જઇને તકાળ તેઓ સુવર્ણના બે મોટા થાળોમાં બે ઉમદા પોશાક; બે તલ્વાર, બે હીરાહાર અને બે કટાર ઈત્યાદિ વસ્તુ દરબારમાં લઈ આવ્યા. તે પોષાક આદિ ખેંગારજી તથા સાયબજીને આપતાં સુલ્તાન વળી પાછો ભાષણના સ્વરૂપમાં કહેવા લાગ્યા કે:—