પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
કચ્છનો કાર્તિકેય

કચ્છના રાજાઓ સ્વતંત્ર સત્તાધીશ રાજા હોવાથી ભવિષ્યમાં અમદાવાદના કોઈ પણ સુલ્તાને કચ્છના રાજાને પરતંત્ર કરવામાટે અથવા તો બીજા કોઈ કારણથી કચ્છ દેશપર કદાપિ ચઢાઈ કરવી નહિ. અને 'રાવ'ને સદા પોતાના મિત્ર માનવા, એવો શેરો પણ આપણા દફતરમાં થઈ જવો જોઈએ."

સુલ્તાન બેગડાની આવી અલૌકિક ઉદારતા, સહૃદયતા, કૃતજ્ઞતા તથા કૃપાશીલતાને જોઈને ખેંગારજીનું હૃદય એવું તે સદ્‌ગદિત થઈ ગયું કે કેટલીક વાર સૂધી તો તે આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિથી સુલ્તાનના મુખમંડળને જોઈ રહ્યો અને કાંઈ પણ બોલી શક્યો નહિ. ત્યાર પછી તે પોતાની કૃતજ્ઞતા તથા નમ્રતાને દર્શાવતો વિનયપૂર્ણ વાણીથી કહેવા લાગ્યો કેઃ "મારી એક સાધારણ કૃતિ અને અલ્પ સેવાના બદલામાં ખુદાવંદ સુલ્તાને મારું જે આટલું બધું ગૌરવ કર્યું છે અને મને જોઈતી સર્વ સહાયતા આપવાની અપૂર્વ ઉદારતા દર્શાવી છે, તેમાટે કેવળ હું જ નહિ, પણ મારા બંધુ, કુટુમ્બીય જનો તેમ જ મારા વંશજો પણ અહમ્મદાબાદના આ મહાપ્રતાપી સુલ્તાનના સદાને માટે ઋણી રહેશે. મેં અનેક વાર કેટલાક લોકોના મુખથી સુલ્તાન સલામત વિશે એવા પ્રવાદો સાંભળ્યા હતા કે સુલ્તાન બેગડો એક ક્રૂર, નિર્દય, કૃતઘ્ન તથા હિન્દુઓનો દ્વેષ્ટા મુસલ્માન સુલ્તાન છે; પરંતુ સુલ્તાનની આજની ઉદારતા, સહૃદયતા, કૃતજ્ઞતા તથા નમ્રતાનો સાક્ષાત્કાર થતાં તે પ્રવાદો સર્વથા અસત્ય હોવા જોઈએ, એવો મારો નિશ્ચય થઈ ગયો છે. ચાંપાનેર તથા જૂનાગઢના હિન્દુ રાજાઓને પરાજિત કરીને સુલ્તાને તેમનાં રાજ લઈ લીધાં છે, તેથી જ કદાચિત્‌ એ પ્રવાદોનો જન્મ થયો હશે; પરંતુ મારી એવી ધારણા છે કે, તેમાં સુલ્તાનનો કેવળ હિન્દુઓ તરફનો દ્વેષ નહિ, પણ કાંઈક અન્ય રાજકીય કારણો હાવાં જોઈએ; કારણ કે, જો સુલ્તાનનો હિન્દુઓ તરફ દ્વેષભાવ જ હોય, તો તો અમે પણ હિન્દુ હોવાથી તેઓ અમને આટલું બધું માન કેમ આપે વારુ ? હું આશા રાખું છું કે, સુલ્તાનનો હિન્દુઓ પ્રતિ આવો જ સદ્‌ભાવ અવિચળ રહો અને અત્યારે સુલ્તાન સલામતે અમારાપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારને ઉપકારથી વાળી આપવાનો યોગ્ય પ્રસંગ અમને સત્વર પ્રાપ્ત થાઓ ! સુલ્તાનના વંશજો જો કચ્છના 'રાવ' સાથે મૈત્રીસંબંધ રાખીને કચ્છ રાજ્યની સ્વતંત્રતામાં બાધા નહિ નાખે, તો કચ્છના 'રાવ' પણ અહમ્મદાબાદના સુલ્તાનના મિત્ર રહી આપત્તિના સમયમાં અગ્રભાગે રહીને તેમને સહાયતા આપશે, એવો પ્રબંધ હું પણ