પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

રાજ્ય મેળવ્યા પછી કરીશ. ખુદાવંદ સુલ્તાનને પુનઃ એક વાર ધન્યવાદ આપીને હું અહીં જ વિરમવાની આજ્ઞા ઇચ્છું છું."

"આમીન, આમીન !" સર્વ સભાસદોએ ભીષણ ધ્વનિથી 'આમીન' શબ્દનો બે વાર ઉચ્ચાર કર્યો.

એ પછી ભાટ ચારણોને તથા તવાયફ ઇત્યાદિને ઇનામ અપાયાં અને દીનજનોને, સાધુઓને તથા ફકીરોને અન્નદાન, ધનદાન તથા વસ્ત્રદાનથી સંતોષવામાં આવ્યા અને સુલ્તાનની આજ્ઞાથી ચોબદારે દરબાર બરખાસ્ત થવાની સૂચના આપી દીધી. ખેંગારજી તથા સાયબજીની પત્નીઓ સુલ્તાનના જનાનખાનામાં કમાબાઈ પાસે બેઠેલી હોવાથી અને અલૈયાજીએ બ્રાહ્મણ રસોઇયાને બોલાવી તે સર્વના ભોજનની વ્યવસ્થા ત્યાં જ કરાવેલી હોવાથી સુલ્તાન બેગડો ખેંગારજી તથા સાયબજીને સાથે લઈને જનાનખાનામાં જવામાટે ઊઠ્યો અને તેના જવા પછી અન્ય સર્વ સભાસદો પણ પોતપોતાને ઘેર જવા માટે રવાના થઈ ગયા.

****

જોતજોતામાં બીજા બે દિવસ વીતી ગયા અને તેથી ખેંગારજી તથા સાયબજીના સૈન્ય સહિત કચ્છપ્રયાણમાં કેવળ બે જ દિવસ બાકી રહ્યા. જ્યારથી દરબારમાં સુલ્તાન બેગડાએ એ બે રાજકુમારોનું અપૂર્વ ગૌરવ કર્યું હતું, ત્યારથી સમસ્ત અહમ્મદાબાદ નગરમાં તેમની અને તેમની જ પ્રશંસાયુક્ત ચર્ચા ચાલી રહી હતી. જ્યારે એ વાર્તા માધુરીના સાંભળવામાં આવી, ત્યારે તેના હર્ષનો અવધિ થયો અને તે એક ધર્મભગિની તરીકે આશીર્વાદ આપવા માટે ખેંગારજી તથા સાયબજીને ઘેર આવી. આશીર્વાદ આપ્યા પછી જો નાણાંની આવશ્યકતા હોય, તો તે પોતાના પતિ પાસેથી અપાવવાની તેણે પોતાની ઈચ્છા દર્શાવી; પણ ખેંગારજીએ નાણાંની પૂરતી જોગવાઈ હોવાથી તે માટેની અનિચ્છા બતાવી. નિયત દિવસના પ્રભાતકાળમાં સુલ્તાનનો સેનાપતિ પોતાના બાર હજાર સૈનિકો સહિત પ્રયાણ કરવામાટે તૈયાર થઈને 'ભદ્ર'ના દ્વાર સમક્ષ આવી ઊભો રહ્યો અને ખેંગારજી તથા સાયબજી પોતાની બહેન કમાબાઈનો આશીર્વાદ લઈને આવ્યા એટલે તત્કાળ સેનાએ ત્યાંથી પ્રયાણ કર્યું. છચ્છર, રણમલ્લ તથા તેનો ભત્રીજો પણ સાથે જ હતા અને રાજકુમારોની પત્નીઓ માટે બંધ મ્યાનાની તેમ જ માર્ગમાં તેમની સેવામાટે પરિચારિકાઓ, દાસીએ તથા સેવિકાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુલતાન બેગડો પોતે પણ સરખેજ સુધી તેમને મૂકવામાટે જવાનો હોવાથી