પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
કચ્છનો કાર્તિકેય

તેમની સાથે જ હતો તેમ જ તેના પાંચસો અંગરક્ષકો પણ સરખેજ સૂધી જવાના હતા. જ્યારે એ સૈન્ય સરખેજની સીમાને ઉલ્લંઘી જવાની અણીપર આવ્યું તે વેળાયે ખેંગારજીને સંબોધીને સુલ્તાન બેગડાએ કહ્યું કે: "અજી઼જ઼ ખેંગારજી, મોરબીના નવ્વાબખાન ઘોરીપર મોરબી તમને સોંપી દેવામાટેનો પરવાનો લખીને મેં સેનાપતિને આપી દીધો છે અને જો નવ્વાબખાન રાજીખુશીથી મોરબીનો કબ્જો તમને ન સોંપે, તો લડાઈ કરીને પણ મોરબી સર કરવાનો હુકમ મેં સેનાપતિને ફરમાવ્યો છે, કારણ કે, મોરબી એક એવું સ્થાન છે કે ત્યાં પ્રથમ પડાવ નાખીને જો જામ રાવળને તમો રંજાડશો, તો તેનું બળ જર્જરિત થતાં કચ્છની સલ્તનત બહુજ અલ્પ પરિશ્રમથી અને મનુષ્યોની બહુજ ઓછી હાનિથી તમારા હાથમાં આવી જશે. મોરબીમાં સ્થિર થયા પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો અને આવશ્યકતા જણાય, તો મારા અનુભવી સેનાધ્યક્ષ સાથે અમુક વિષયનો વિચાર ચલાવીને તેની મંત્રણા અનુસાર વર્તજો એટલે અવશ્ય તમારા કાર્યમાં તમને વિજય મળશે. ઠીક ત્યારે હવે ખુદા હાફિજ !"

ખેંગારજી તથા સાયબજીએ વળી પણ યોગ્ય શબ્દોમાં સુલ્તાનનો ઉપકાર માન્યો અને ત્યાર પછી તેઓ સુલ્તાનની આજ્ઞા લઈને પોતાની ઈષ્ટ દિશામાં સૈન્ય સહિત પ્રયાણ કરવા લાગ્યા. સુલ્તાન ત્યાંથી પોતાના અંગરક્ષક અશ્વારોહી સૈનિકો સહિત પાછો વળ્યો અને અહમ્મદાબાદની દિશામાં પ્રયાણ કરી ગયો.

છચ્છરે અહમ્મદાબાદમાંનો પોતાનો સમય બહુધા કાપાલિકના સ્થાનમાં જ વીતાડ્યો હતો અને જ્યારે આવી રીતે પુનઃ ખેંગારજી તથા સાયબજી સાથે કચ્છ જવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થયો એટલે એક આદર્શચરિત સાધુને શોધીને તેણે તે સ્થાનનો અધિકાર તેને આપી દીધો હતો કે જેથી તે સ્થાનમાંના શિવલિંગની પૂજા પણ થયા કરે અને તે સાધુનો નિર્વાહ પણ સુખરુપ ચાલ્યા કરે. તે સ્થાનમાંના છચ્છરના પોણા બે વર્ષના નિવાસ પછી તે સ્થાનની ભયંકરતા વિશે લોકોની જે માન્યતા હતી તે દૂર થઈ ગઈ હતી અને તેથી પ્રવાસિજનોના વિશ્રામમાટેનું તે સ્થાન એક ઉત્તમ સાધન થઈ પડ્યું હતું, એ અહીં નવીનતાથી જણાવવાની આવશ્યકતા નથી.

અસ્તુ: પ્રયાણના એ પ્રથમ દિવસના સંધ્યાકાળ સૂધીમાં સેનાએ દશ ગાઉની મંજિલ પૂરી કરી અને એ મંજિલ પૂરી થયા પછી રાત્રિનો સમય વિશ્રાંતિમાં વીતાડવામાટે એક વૃક્ષલતામંડિત તથા જળાશાયયુક્ત ઉત્તમ સ્થાનમાં છાવણી નાખવામાં આવી.