પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
કેટલાંક વિઘ્નો
એકાદશ પરિચ્છેદ
કેટલાંક વિઘ્નો

રાત્રિના દ્વિતીય પ્રહરનો અર્ધ ભાગ વીતી ચૂક્યો હતો અને મધ્યનિશા થવામાં અર્ધ પ્રહરનો જ અવકાશ હતો. શિબિરની રક્ષામાટે કેટલાક નિયત કરાયલા પ્રહરીઓ વિના અન્ય સર્વ સૈનિકો ખાનપાનના વ્યવસાયથી મુક્ત થઈને નિદ્રાવશ થઈ ગયા હતા અને તેથી સમસ્ત શિબિરમાં શાંતિનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. ખેંગારજી તથા સાયબજી પોતાના તંબૂમાં અદ્યાપિ જાગતા અને છચ્છર તથા રણમલ્લ સાથે હવે પછીના પોતાના કાર્યક્રમવિષયક વાર્તાલાપ કરતા બેઠા હતા. એવામાં એક પ્રહરીએ આવીને એવા સમાચાર આપ્યા કે: "કચ્છનો શિવજી નામનો કોઈ એક લુહાણો રાજકર્મચારી આવ્યો છે અને કોઈ અગત્યના કાર્યમાટે તે અત્યારે જ રાવ સાહેબ સાથે મુલાકાત કરવા માગે છે, તો દાસને શી આજ્ઞા છે ?" ખેંગારજી તથા સાયબજીને શિવજીનું વિશેષ સ્મરણ નહોતું, પરંતુ છચ્છર બૂટાએ તેનું નામ સાંભળતાં જ તેને તરત ઓળખી લીધો અને તેથી તેને ત્યાં લઈ આવવામાટેની પ્રહરીને આજ્ઞા અપાવી દીધી. શિવજી આવ્યો અને ખેંગારજી તથા સાયબજીને અત્યંત પૂજ્ય ભાવથી નમન કરીને કહેવા લાગ્યો કે:—

"કચ્છ દેશના રાજમુકુટ તથા રાજસિંહાસનના સત્ય ઉત્તરાધિકારી અને અમારા અન્નદાતા યુવરાજશ્રી ખેંગારજી, આપ ઉભય બંધુઓના ભયથી દુષ્ટ જામ રાવળનું હૃદય અદ્યાપિ ભયભીત રહ્યા કરે છે અને તેથી આપના અસ્તિત્વને આ સંસારમાંથી મટાડી નાખવામાટેના તેના ઉધોગો ચાલૂ જ છે. જેણે આપને શોધી કાઢવામાટે ભીંયા કક્કલના નિર્દોષ પુત્રોને નિર્દયતાથી ઘાત કર્યો હતો, તે દુષ્ટ ચામુંડરાજ તથા બીજા ચાર પાંચ સરદારોને જામ રાવળે અહમ્મદાબાદમાં આપની તપાસ કરવામાટે તથા જો આપ ત્યાં હો, તો કોઈ પણ રીતે આપનો ઘાત કરવા અથવા કરાવવામાટે રવાના કર્યા છે અને જો આપ અહમ્મદાબાદમાં હો, તો ગુપ્ત રીતે આપને આ ભેદ જણાવી દેવામાટે હું મારી ઇચ્છાથી જ જામ રાવળની આજ્ઞા લઈને તેમની સાથે આવ્યો છું. ચામુંડરાજ તથા બીજા સરદારો વિલાસી, આળસૂ તથા સુખેચ્છુ હોવાથી માર્ગમાં અમને ધાર્યા કરતાં વધારે કાળ થઈ ગયો અને તેથી અહમ્મદાબાદ પહોંચવામાં સ્વાભાવિક જ વિલંબ થયો છે. આજે પ્રભાતમાં અમો અહીંથી અડધા ગાઉ૫ર આવેલા ગ્રામમાં આવ્યા છીએ અને આવતી કાલે અમારો અહમ્મદાબાદની દિશામાં