પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
કચ્છનો કાર્તિકેય

પ્રયાણ કરવાનો વિચાર હતો; પણ એટલામાં અહમ્મદાબાદમાં આપે દર્શાવેલી અપૂર્વ વીરતા, સુલ્તાનના જીવનની આપના હસ્તથી થયેલી રક્ષા તથા સુલ્તાને આપને આપેલી સહાયતાના સમાચાર અહમ્મદાબાદથી આવેલા કેટલાક ગામડિયાઓના મુખથી અમારા સાંભળવામાં આવ્યા અને આપ સૈન્ય લઇને કચ્છ દેશના અધિકારને જામ રાવળ પાસેથી પાછો લેવામાટે નીકળ્યા છો અને આ સ્થાનમાં છાવણી નાખીને આજની રાત વીતાડવાના છો, એ વાર્તા પણ અહીંના ખેડુતોએ વિયારૂ વખતે અમને જણાવી. આપ આટલા બધા નિકટમાં છો, એ વાર્તા સાંભળતાં જ આપના દર્શનમાટે મારું હૃદય આતુર થઈ રહ્યું અને તેથી ચામુંડરાજને 'મને છાવણીની પરિસ્થિતિને જોઈ આવવાની આજ્ઞા આપો એટલે જો લાગ ફાવે તો રાતે છાવણીમાં ઘુસી જઇને આપણે ખેંગારજી તથા સાયબજીના જીવનને સમાપ્ત કરી નાખીશું;' આ પ્રમાણે સમજાવી હું અત્યારે અહીં આવ્યો છું. એક વાર આ દીન દાસે આપ ઉભય બંધુઓના પ્રાણ બચાવ્યા છે અને આજે મારો એવો વિચાર છે કે દુષ્ટ ચામુંડરાજ તથા બીજા સરદારોને ભોળવીને હું અહીં લઈ આવું અને આપ તેમને યોગ્ય શિક્ષા આપો એટલે આ વિઘ્ન આટલેથી જ ટળી જાય. મહારાજ, અત્યારે આપણા એક સમયના સ્વર્ગતુલ્ય કચ્છ દેશમાં એટલી બધી અરાજકતા વ્યાપી ગઈ છે કે રાજા તથા તેના અધિકારીઓ ધનલોલુપ, વિષયલોલુપ તથા અત્યાચારી હોવાથી પ્રતિદિવસ કેટલીક સધવા સુંદરીઓ વિધવા થાય છે; તેમના વિલાપથી ભૂમિ આર્દ્ર થઈ જાય છે; નિત્ય નવીન સંકટ તથા નવીન દુઃખોની વૃષ્ટિ થતી હોવાથી પ્રજા પોકાર કરીને પરમેશ્વરની કરુણા યાચે છે અને એ સર્વ આક્રોશોનો જે પ્રતિધ્વનિ ગગનતલમાંથી ઉત્પન્ન થાય છે, તેને સાંભળતાં જાણે આપણા દેશ પ્રમાણે આકાશ પણ દુઃખથી વિલાપ કરતો હોયની ! તેવો જ ભાસ થયા કરે છે. પ્રજાની પીડાના એ સમાચાર અખંડ અને અષ્ટૌપ્રહર સાંભળવાથી હૃદય ચીરાઈ જાય છે અને શોકના અતિરેકથી શિરાઓમાંના શોણિતનું અભિસરણ પણ અટકી જાય છે ! કચ્છની પ્રજા આપના વરદ હસ્તથી કચ્છનો ક્યારે ઉદ્ધાર થાય, એની જ આતુર હૃદયથી પ્રતીક્ષા કરી રહી છે. મારો ધર્મ બજાવ્યો છે એટલે હવે શું કરવું અને શું નહિ, એનો નિર્ણય આપ શ્રીમાને જ કરવાનો છે."

શિવજી લુહાણાની આવી અપૂર્વ રાજભક્તિને જોઈને ખેંગારજીના હૃદયમાં અત્યંત પ્રસન્નતાનો આવિર્ભાવ થયો અને તેથી તે