પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
કચ્છનો કાર્તિકેય

મયૂરધ્વજપૂરી અને પછીથી ભીમ્મોર નામથી ઓળખાતું હતું. હાલના નગરનું નામ તેની પાસે મોરબો નામક ડુંગર છે તે ઉપરથી પડ્યું છે, એ ડુંગર આગળ સંગજી જેઠવાએ એક વાઘેલા રાજાને હરાવી પોતાના વિજયની કીર્તિને અવિચળ રાખવામાટે મયૂરધ્વજપુરીની નદીની પેલી મેર હાલનું નગર વસાવ્યું હતું. પછીથી પંદરમા સૈકાની આખર અને સોળમા સૈકાની શરૂઆતમાં લડાઈ બખેડાને લીધે મયુરધ્વજપુરી ઉજ્જડ થઈ ગઈ એટલે મોરબીની વસતી ધીમે ધીમે વધવા લાગી અને ઘણાખરા ધનાઢ્ય વ્યાપારીઓ જુની મયૂરધ્વજપુરીને ત્યાગીને નવા મોરબી નગરમાં આવીને વસવા માંડ્યા. અમદાવાદમાં જે વેળાયે સુલ્તાનોનું રાજ્ય હતું, તે વેળાયે મોરબી ફતેહખાન બલોચનું જાગીરી ગામ હતું; પણ પછીથી તે જૂનાગઢના ઘોરી જાગીરદારોના હાથમાં ગયું હતું અને આપણી કથાના સમયમાં ત્યાંનો જાગીરદાર નવાબખાન ઘોરી હતો કે જેના પર સુલ્તાન બેગડાએ મોરબી ખેંગારજીને સોપવા માટેનો પરવાનો લખી આપ્યો હતો. મોરબી ખેંગારજીને સોપાવવામાં સુલ્તાનનો એ ઉદ્દેશ હતો કે કચ્છમાં પ્રવેશ કરવાના માર્ગનો મોરબી અને તેના તાબાના વવાણિયાથી જ આરંભ થયો હતો એટલે જો ત્યાં ખેંગારજીની સત્તા હોય, તો ત્યાંથી ખેંગારજી જામ રાવળને પૂરતો ત્રાસ આપી શકે, એ સ્વાભાવિક જ હતું.

પરંતુ મોરબી તત્કાળ ખેંગારજીના હાથમાં આવ્યું નહિ; કારણ કે, નવ્વાબખાન ઘોરી બહુ જ અભિમાની અને મદોન્મત્ત તેમ જ બલાઢ્ય જાગીરદાર હોવાથી તેણે સુલ્તાનના પરવાનાનો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો અને તેથી મોરબીમાં જ યુદ્ધના મંગલાચરણનો પ્રસંગ કદાચિત્ ઉપસ્થિત થશે, એવો સ્પષ્ટ રંગ દેખાવા લાગ્યો. નવાબખાનને એવો સંદેશો મોકલવામાં આવ્યો કે: “જો સુલ્તાન સલામતના ફર્માનને માન આપીને આજથી ચાર દિવસમાં તમો મોરબી અમારા હાથમાં નહિ સોપો, તો પાંચમે દિવસે તમારા પર ચઢાઈ કરીને મોરબીનો અધિકાર બળાત્કારે તમારી પાસેથી લેવામાં આવશે.” પરંતુ નવ્વાબખાન બેપરવા જ રહ્યો અને યુદ્ધની તૈયારીઓ ચાલવા લાગી. હજી યુદ્ધનો આરંભ થયો નહોતો એટલામાં એક તરફથી સુલ્તાન બેગડાની ખેંગારજીને મળેલી સહાયતાની વાર્તા કચ્છમાં પહોંચી ગયેલી હોવાથી જામ હમીરજીના પક્ષના જે મનુષ્યોને જામ રાવળે રંજાડ્યા હતા, તે સર્વ મનુષ્યો હોથી નોધણજીની સરદારી તળે મોરબી મુકામે ખેંગારજીને આવી મળ્યા અને બીજી તરફથી મોરબીના ઘોરીઓની વિનાશકાળે વિપરીત બુદ્ધિ થવાથી એક ઘોરીએ પોતાના કામદાર સારસ્વત