પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
કચ્છનો કાર્તિકેય

કરીને પોતપોતાના ભાગ્યની પરીક્ષા કરી લેવી અને સૈનિકોનો અકારણ સંહાર ન કરાવવો. આ શર્ત જામ રાવળની ઈચ્છાથી કરવામાં આવી હતી; કારણ કે, જામ રાવળ પાસે જોઈએ તેટલું સૈન્ય નહોતું. પરંતુ ખેંગારજીની પોતાના બાહુબળમાં અને પરમાત્માની સત્યપ્રિયતામાં અચળ શ્રદ્ધા હોવાથી શત્રુની એ ઈચ્છાનો પણ તેણે આનન્દથી અંગીકાર કરી લીધો અને ત્યાર પછી ઉભય પક્ષના નેતા તથા સૈનિકો મૃત સૈનિકોની અંત્યેષ્ટિ ક્રિયા, ઘવાયલાઓની શુશ્રષા, ભોજન તથા વિશ્રાંતિ આદિમાટે પોતપોતાના શિબિરમાં ચાલ્યા ગયા.

આજના યુદ્ધના પરિણામને જોઇને જામ રાવળનો નિશ્ચય થઈ ગયો કે: “માતા આશાપુરાના વચનનો અનાદર કરીને ખેંગારજી સાથે મેં યુદ્ધ કર્યું, એ મારી મોટામાં મોટી ભૂલ થઈ છે અને માતાનું વચન મિથ્યા થવાનું નથી. એ આજના યુદ્ધના પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે. અર્થાત્ હવે કચ્છના રાજ્યનો ઉપભોગ મારા ભાગ્યમાં લખાયલો જ નથી એટલે વિનાકારણ યુદ્ધમાં પ્રાણાહુતિ આપવી એ ઈષ્ટ નથી. હવે તો મારામાટે એ જ ઈષ્ટ છે કે, ખેંગારજીનાં ચરણોમાં મસ્તક નમાવી પરાજ્યને સ્વીકારી અપરાધની ક્ષમા માગીને કચ્છ દેશનો ત્યાગ કરવો અને માતાજીની આજ્ઞા પ્રમાણે સમુદ્રને સામે કાંઠે જઈને ભાગ્યપરીક્ષાનો પ્રયત્ન કરવો; કારણ કે, ત્યાં મારા ભાગ્યનો ઉદય થશે, એવું માતાજીનું કથન હોવાથી ત્યાં માતાજી મને અવશ્ય સહાયતા આપશે. ખેંગારજી શરણાગતનો સંહાર કદાપિ કરવાનો નથી એટલે અધિક ભય રાખવાની કશી પણ આવશ્યકતા નથી..” આવા પ્રકારનો હૃદયમાં નિર્ધાર કરીને જામ રાવળ, હવે યુદ્ધની પ્રવૃત્તિની આવશ્યકતા ન હોવાથી, પરમ શાંતિથી નિદ્રાવક્ષ થયો.

એ જ રાતે ખેંગારજીને વળી એક અન્ય ચમત્કારનો સાક્ષાત્કાર થયો. ખેંગારજી પોતાના તંબૂમાં નિદ્રાવશ થયો હતો એવામાં તેને એક વિલક્ષણ તથા અદભુત સ્વપ્ન લાધ્યું અને તે સ્વપ્નમાં દેવી આશાપૂર્ણા તેને દર્શન દઈને કહેવા લાગી કે:

" में तो खेंगा तो त्रुठी, रुठ्ठी रावर जाम;
डिन्ना में तोके मिडे, कच्छ घराजा गाम"

અર્થાત્ “હે ખેંગાર, હું તારાપર ત્રુઠી છું એટલે કે પ્રસન્ન થઈ છું અને જામ રાવળપર રૂઠી છું એટલે કે કોપાયમાન થઈ છું. (આજથી) મેં તને આ કચ્છદેશની ભૂમિનાં સર્વ ગ્રામો આપી દીધા છે !” “અર્થાત્ આ દેશનું રાજ્ય હવે તારે જ ભોગવવાનું છે !” આટલું વચન કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ અને તત્કાળ ખેંગારજીની