પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
ભીષણ યુદ્ધ અને વિજયલાભ

સંભવ છે. તમોએ તો તમારા કુકૃત્યથી તમારા કુળને શાશ્વત કલંકિત કરી દીધું છે, પણ અમારાથી તેમ બની શકે એમ નથી. અમો તમારા સર્વે અપરાધોની તમને ઉદારતાથી ક્ષમા આપીએ છીએ અને તેથી તમો હવે સર્વ પ્રકારે નિર્ભય છો. માત્ર અમારી એટલી આજ્ઞા તમારે પાળવાની છે કે, બે દિવસમાં તમારાં પુત્રકલગ તથા તમારી પોતાની જે કાંઈ મૂળ સંપત્તિ હોય, તે સર્વ લઇને આ કચ્છ રાજ્યમાંથી ચાલ્યા જાઓ અને પુનઃ આ કચ્છદેશમાં કદાપિ આવશો નહિ; તેમ જ જો અન્ય સ્થાનમાં તમો બાહુબળથી કે પછી આશાપૂર્ણા માતાની કૃપાથી રાજ્યની સ્થાપના કરો, તો તે વેળાયે કચ્છના રાવનું તમારા૫ર વર્ચસ્વ છે, એ દર્શાવવામાટે ખાંડું અને પોષાક રાજ્યાભિષેકની વેળાયે અહીથી મંગાવજો. જો અમારી આ આજ્ઞાના પાલનમાં લેશ માત્ર પણ પ્રમાદ કરશો, તો તે વેળાયે નવીન વૈરનો ઉદ્‌ભવ થશે અને અમો તમને ક્યાંય જંપીને બેસવા નહિ દઈએ."

ખેંગારજીનાં આ વચનો સાંભળીને જામ રાવળે કહ્યું કે: "મેં જ્યારે હવે મારાં શસ્ત્રોને આપનાં ચરણોમાં મૂકી દીધાં છે અને સર્વથા પરાજયનો સ્વીકાર કરી લીધો છે એટલે પછી આપની આજ્ઞાના પાલનમાં હું ત્રુટિ કરું, એ કદાપિ સંભવે જ નહિ. હું આશાપૂર્ણા માતાજીના શપથ લઈને કહું છું કે, હું હવે ભવિષ્યમાં કદાપિ આપ સાથે વૈરભાવ રાખીશ નહિ અને આપની સર્વે આજ્ઞાઓનું યથાસ્થિત પાલન કરીશ. પરંતુ મારી માત્ર એટલી યાચના છે કે, આ કચ્છ દેશને ત્યાગી જવા પૂર્વે હું જે કાંઈ પણ કોઇને ઇનામ તથા દાન આપી જાઉં, તે ઇનામ તથા દાન તમારે કાયમ રાખવા અને મારા લેખનો અસ્વીકાર કરવો નહિ. આ હું મારી સત્તાથી માગતો નથી, પણ નમ્રતાથી માગી લઉં છું અને આપ ઉદારાત્મા હોવાથી આશા છે કે અવશ્ય ઉદારતાનો પરિચય કરાવશો."

"ભલે, તમારી એ ઇચ્છા પણ મને માન્ય છે." ખેંગારજીએ પોતાની કુલીનતા તથા ઉદારતાનો અપૂર્વ પરિચય કરાવ્યો.

જામ રાવળ ખેંગારજીનો આભાર માનીને પોતાના ગામ બાડામાં ચાલ્યો ગયો અને ત્યાં જઈને તેણે ચારણોને પચાસ ગામ ઇનામમાં લખી આપ્યાં. ખેંગારજીએ અપૂર્વ ઉદારતા તથા વચનશીલતા દર્શાવીને, પોતાની હાનિ હોવા છતાં પણ, તેનાં એ દાનપત્રોને સ્વીકારી તેમનાપર પોતાની મુદ્રા કરી આપી અને તેથી તે ગામો અને ગરાસ અદ્યાપિ ચારણોના વંશજો ભોગવે છે. ત્યાર પછી પોતાના પરિવાર,