પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
રાજયાભિષેક અને કૃતજ્ઞતા

તેઓ પોતાના પાંચસો અંગરક્ષકોના સૈન્યને તેમ જ છચ્છર, રણમલ્લ તથા શિવજી આદિને પોતા સાથે રાખીને સમસ્ત કચ્છદેશમાં ભ્રમણ કરવામાટે નીકળ્યા; કારણ કે, રાજ્યાભિષેકના પ્રસંગને પાંચ માસનો વિલંબ હતો અને 'ત્યાર પહેલાં તો આપણે પાછા લાખિર વિયરામાં આવી પહોંચીશું,' એવી તેમની માન્યતા હતી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પ્રજાએ તેમનો દેવ પ્રમાણે સત્કાર કર્યો અને કચ્છની પ્રજાની અપૂર્વ અલૌકિક તથા પ્રચંડ રાજભકિતને જોઇને ખેંગારજીના આનંદનો અવધિ થયો. એ ભ્રમણમાં કેટલાક લૂટારાનો નાશ કરીને તેમના ત્રાસથી પ્રજાને મુકત કરી તથા પ્રજાના અનન્ત આશીર્વાદોને મેળવીને ખેંગારજી તથા સાયબજી ત્રણ માસ પછી પાછા પોતાની રાજધાનીમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા.

એ વેળાયે આમંત્રેલાં કેટલાંક સન્માન્ય અતિથિઓ લાખિર વિયરામાં આવી પહોંચ્યાં હતાં અને અન્ય અતિથિઓ પણ સત્વર આવી પહોંચે, તેવો સંભવ હતો. અતિથિઓના સત્કાર માટેની સર્વ પ્રકારની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી; માત્ર એટલું જ નહિ, પણ ખેંગારજી તથા સાયબજી પોતે પણ તેમની નિત્ય સાર સંભાળ લીધા કરતા હતા. અંતે સર્વે અતિથિઓ આવી લાગ્યાં અને રાજ્યાભિષેકનો માંગલિક દિવસ પણ આવી લાગ્યો. માત્ર સુલ્તાન બેગડો અને તેની બેગમ કમાબાઈ આવ્યાં નહોતાં, પરંતુ તેમણે શુભ સંદેશ તથા ખિલત સહિત પોતાના પ્રતિનિધિને મોકલ્યો હતો; કારણ કે, સુલ્તાનની વૃદ્ધાવસ્થા થયેલી હોવાથી અને તેની પ્રકૃતિ કાંઈક મંદ રહેતી હોવાથી તેનાથી આવી શકાય તેમ નહોતું અને સુલ્તાનને એવી અવસ્થામાં મૂકીને કમાબાઈથી પણ ન આવી શકાય એ સ્વાભાવિક જ હતું. ખેંગારજીનો સર્વથી કનિષ્ઠ બંધુ રાયબજી પણ મોશાળથી આવી પહોંચ્યો હતો અને તેને જોઇને ખેંગારજી તથા સાયબજીને એક પ્રકારનો અપૂર્વ આનન્દ થવા લાગ્યો હતો.

આજના રાજ્યાભિષેકમહોત્સવની સભાનો ઠાઠમાઠ કાંઈક જૂદા જ પ્રકારનો હતો. નગરમાં સર્વત્ર આમ્રપત્રનાં તોરણો બાંધી દેવામાં આવ્યાં હતાં; પ્રજાજનો મંગલસૂચક લાલ, લીલા, પીળા, ગુલાબી તથા જાંબલી રંગની પાઘડીઓ બાંધીને સભામાં બેઠા હતા; રાજમહાલયમાં સ્ત્રીઓ એકત્ર થઇને માંગલિક ગીતો ગાતી હતી; નિમંત્રિત અતિથિઓ, રાજપ્રતિનિધિ, રાજ કર્મચારી અને ખેંગારજીનાં કેટલાક એકનિષ્ઠ સેવકો સભામાં પોતપોતાનાં આસનોપર વિરાજ્યા હતા. ભાટ, ચારણ, કવિજન તથા વિદ્વાનોની