પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
કમાબાઈનાં લગ્ન

એટલે પછી વાંધો શો હોય ? જે થયું છે તે સારામાટે જ થયું છે." ઇત્યાદિ અનેક પ્રકારની ચર્ચા ચાલવા લાગી. કેટલાક તરુણો મુસલ્માનોના લશ્કરમાં જઈને તેમને મોઢાંમાંથી જે આવે તે ગાળો ભાંડવા લાગ્યા અને એનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કેઃ "ભાઈ, તમે જાનૈયા છો અને એથી અમારો તમને ગાળો ભાંડવાનો હક છે." એથી મુસલ્માન સૈનિકો હસીને છાના રહી ગયા. કહ્યું જ છે કે;—

"ફીકી યહિ નીકી લગે, કહિયે સમય બિચારિ;
સબકો મન હર્ષિત કરે, જ્યોં વિવાહમેં ગારિ !"

એમ કરતાં કરતાં પ્રદોષસમય થવા આવ્યો અને બ્રાહ્મણો લગ્નવિધિની તૈયારી કરવા માટે દોડધામ કરવા લાગ્યા. જામ હમ્મીરજી પોતે બીજા કેટલાક ભાયાતો તથા દરબારીઓને લઈને જમાઇરાજને તેડવા ગયા ને તેને વાજતે ગાજતે તેડી લાવ્યા. લગ્નમંડપ તૈયાર જ હતો, તેમાંના એક સિંહાસને વરરાજાને બેસાડવામાં આવ્યો. સર્વ જાનૈયા પણ યોગ્ય સ્થળે બેઠા અને વિપ્રરાજ વિધિપૂર્વક લગ્ન કરાવા લાગ્યા. રાજકુમારીને લાવી વેદીની પાસે બેસાડવામાં આવી અને વરરાજાને પણ ત્યાર પછી તેની જોડમાં બેસાડ્યો. જામ હમ્મીરે વિધિ પ્રમાણે તેમને ચાર ફેરા ફેરવીને કન્યાદાન આપ્યું અને પોતાની પુત્રીને દાયજામાં હાથી, ઘોડા, રથ, અમૂલ્ય અલંકારો, વસ્ત્રો અને બીજો પણ લાખો કોરીનો માલ આપ્યો. ત્યાર પછી ભોજનનો બહુ જ મોટો અને દબદબાભરેલો સમારંભ કરવામાં આવ્યો અને જ્યારે નીખેટ કરી ત્યારે સુલ્તાન બેગડાએ કહ્યું કે "મારે તો અહીંથી હવે સિંધમાંના બળવાખોરોપર ચઢાઈ કરવા જવું છે એટલે મારી બેગમને આ૫ પોતાના રિસાલા સાથે જ મારી રાજધાની અમદાવાદમાં મોકલી દેવાની કૃપા કરશો, તો ઘણો જ આભાર થશે."

"આપ સુખેથી સિંધ તરફ વિદાય થાઓ. અમે કમાબાઈને અમદાવાદ મોકલી આપીશું. એ વિશે આપે કશી પણ ચિન્તા રાખવી નહિ,” હમ્મીરજીએ આશ્વાસન આપ્યું.

સુલ્તાન બેગડો પોતાના સૈન્યસહિત સિંધુદેશની દિશામાં પ્રયાણ કરી ગયો.

સુલ્તાનના સિંધુગમનને આઠેક દિવસ થઈ ગયા પછી કમાબાઈને અમદાવાદ તરફ મોકલવાની તૈયારીઓ ચાલી. કમાબાઈની અવસ્થા એ વેળાએ બાવીસ ત્રેવીસ વર્ષની હોવા છતાં અત્યાર સૂધી માતા-પિતારુપ છત્રની છાયામાંથી તે દૂર થયેલી ન હોવાથી પોતાના આપ્તજનોનો ભાવિ વિયોગ તે તરુણીને મહાભયંકર દેખાવા લાગ્યો. તે