પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
રાજ્યાભિષેક અને કૃતજ્ઞતા

શેઠ, મારા શ્વસુર જાલિમસિંહજી તથા અહમ્મદાબાદના સુલ્તાન બહાદુર મહમૂદશાહ બેગડા છે, એ નવીનતાથી જણાવવાની આવશ્યકતા નથી; કારણ કે, એ સર્વ વ્યક્તિઓએ મારાપર કરેલા ઉપકારોની વાર્તા હવે સર્વના જાણવામાં આવી ગઈ છે અને તેથી તેમનું પિષ્ટપેષણ કરવું નિરર્થક છે. મારા એ ઉપકારકોના ઉ૫કારો વિષે કૃતજ્ઞતા દર્શાવીને તેમનું કાંઈક પણ યથાશક્તિ ગૌરવ કરવું, એ મારો ધર્મ હોવાથી અત્યારે તેમનું ગૌરવ કરવાની મેં ઈચ્છા કરી છે. અમારા સ્વામિનિષ્ઠ સેવક છચ્છર બૂટાને તેની સેવાના એક નામ માત્રના બદલા તરીકે હું સાત ગામ આપું છું કે જે વંશપરંપરા તેના ભોગવટાની જાગીર ગણાશે; મિયાણા ભીંયા કક્ક્લે મારા અને મારા બંધુના પ્રાણરક્ષણમાટે પોતાના સાત પુત્રોના પ્રાણુનું બલિદાન આપેલું હોવાથી તેને હું બાર ગામ તથા જામની અમારી જૂની પદવી આપું છું અને મારી એવી આજ્ઞા છે કે એના વંશજો કચ્છ દેશમાં ગમે તેવો અપરાધ કરે, તો પણ તેમને કાઠમાં પૂરવા નહિ અને મારી આ આજ્ઞાનું મારા વંશજોએ દૃઢતાથી પાલન કરવું; ગોરજી માણેકમેરજીને ઉપાધ્યાયની પદવી, મારા મહાલય જેવો એક મહાલય તથા બાર ગામ આપું છું તેમ જ તેમને મારી સભામાં ઉચ્ચ આસને વિરાજવાના અધિકાર સાથે તેમના યજમાન જૈન વાણીઆ તેમને અમુક લાગો આપતા રહે, એવી તેમને વ્યવસ્થા કરી આપું છું. સભામાં વિરાજવાનો તેમને અધિકાર મળવાથી સભામાં ઉઘાડે માથે ન બેસી શકાય એટલામાટે તેમના પ્રતાપથી અહમ્મદાબાદમાં મેં જે ક્રૂર સિંહનો સંહાર કર્યો હતો તેના ચિહ્ન તરીકે બે કાન તથા પૂછવાળી એક ટોપી તથા તેની ઉપર મુકુટ સમાન રાજચિહ્ન તરીકે મેં એક આભૂષણ બનાવરાવ્યું છે તે હું તેમને આપું છું અને તે અત્યારે જ મસ્તકપર ધારણ કરી લેવાની પ્રાર્થના કરું છું; શિવજી લુહાણો જામ રાવળનો રાજકર્મચારી હોવા છતાં કેવળ ધર્મ અને ન્યાયના વિચારથી તેણે બબ્બે વાર પોતાના જીવના જોખમે અમારા પ્રાણ બચાવ્યા છે અને તેના બદલામાં હું તેને ચાર ગામ તથા તેની આગળની નોકરી સાથે મારી સભામાં વિરાજવાનો અધિકાર આપું છું; જે બાઈએ કેવળ જન્મભૂમિનાં સંતાન તરીકે અપૂર્વ અનુકંપાથી માર્ગમાં અમારો સત્કાર કરી અમને જમાડીને અશ્વ આપ્યો હતો અને એક આર્ય અબળાના હૃદયની ઉદારતાનો અપૂર્વ પરિચય કરાવ્યો હતો તે બાઈ પાર્વતીને હું ધર્મભગિનીની પદવી તો આપી ચૂક્યો છું અને તે ઉપરાંત આજે કાપડા તરીકે આઠ ગામ આપું છું અને સાથે પ્રાર્થના કરું છું કે, એ બાઈ જો પોતાના પતિ તથા અન્ય પરિવાર સહિત આ મારા