પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
કચ્છનો કાર્તિકેય

કચ્છ દેશમાં આવીને રહેશે, તો મારાપર તેનો અત્યંત ઉપકાર થશે; આ શેઠજીએ ધ્રાંગધરામાં અમને જમાડીને નાણાંની થોડીક રકમ આપી હતી, પણ તે સમયમાં એ થોડી રકમ ૫ણ લાખો રૂપિયા જેટલી હોવાથી હું તેના બદલામાં પચીસ હજાર કોરી આપું છું અને પોશાક આપું છું. હવે માત્ર બે પુરુષો જ એવા રહ્યા છે કે જેમના મારાપર મહાભારત ઉપકાર હોવા છતાં મારાથી તેમનો કાંઈ પણ સત્કાર કરી શકાય તેમ નથી. તેમાંના એક તો મારા શ્વસુર જાલિમસિહજી છે; અર્થાત્ તેમનો હું જમાઈ હોવાથી મારી પાસેથી તેમનાથી કાંઈ પણ બદલો લઈ શકાય તેમ નથી અને તેટલામાટે મારા વડિલ તરીકે તેમને માન આપીને જ હું સંતોષ માનું છું; બીજા મહાનુભાવ પુરુષ તે અહમ્મદાબાદના પ્રતાપી સુલ્તાન છે અને તેમને કાંઈ પણ આપવાની ચેષ્ટા કરવી તે તેમનું અપમાન કરવા સમાન હોવાથી માત્ર શર્કરાનો થાળ તેમના પ્રતિનિધિને આપીને સુલ્તાન આવી જ કૃપા મારાપર નિરંતર રાખતા રહે, એવો સંદેશ તેમને કહેવામાટેની મારી પ્રાર્થના છે. પ્રતિનિધિને પોતાને હું જે પોશાક તથા પારિતોષિક આપું છું તે તેઓ સ્વીકારશે અને જતી વેળાએ અમારાં પૂજ્ય બહેન કમાબાઈમાટે અમોએ જે વસ્ત્રાલંકાર કરાવી રાખ્યાં છે, તે તેઓ લઈ જશે, એવી હું આશા રાખું છું. છેવટે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં મારી અનન્ય ભાવથી એટલી જ અભ્યર્થના છે કે, તે પરમાત્મા રાજદંડને ધારણ કરવાની મારા હસ્તમાં શક્તિ આપે; મને ન્યાય, ધર્મ તથા નિષ્પક્ષપાતતાથી રાજ્યને ચલાવવાની અને પ્રજાને પાળવાની સદ્દબુદ્ધિ આપે તથા કચ્છદેશમાં પ્રજાની રાજભક્તિ તથા રાજાની પ્રજાભક્તિ સાથે રાજા અને પ્રજાના પરસ્પર પ્રેમની નિરંતર વૃદ્ધિ થતી રહે.”

"ધન્ય, ધન્ય, ધર્માત્મા ભૂપાલ! ધન્ય છે આપને અને આપનાં ભાગ્યશાળી માતાપિતાને! પ્રજાને ભૂપાલ મળે, તો આવા જ મળજો.” સભાજનોએ ગદ્‌ગદિત થઈને પોતાના અંતરના ઉદ્‌ગાર કાઢી સંભળાવ્યા.

એ ઉપરાંત ખેંગારજીએ અજાજીનું પણ યોગ્ય ગૌરવ કર્યું; રણમલ્લ તથા તેના ભત્રીજાને યોગ્ય પારિતોષિક ઉપરાંત પોતાના અંગરક્ષકની પદવી આપીને સદાને માટે પોતાની નોકરીમાં રાખી લીધા અને અંતે ભાટ ચારણ, કવિ, તથા પંડિતોને દાન તથા પારિતોષિક આપવા પછી વારાંગના આદિ અન્યાન્ય કલાવત્ તેમ જ દીનજનોને પણ સંતોષ્યાં અને સમસ્ત કચ્છરાજ્યમાં શર્કરા વ્હેંચાવવાનો અને લાખિયાર વિયરામાંનાં સર્વ સ્ત્રી પુરુષોને સાયંકાળે જમાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો.