પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
રાજ્યાભિષેક અને કૃતજ્ઞતા

સ્થાન પ્રતિ જવાને વિદાય થવા લાગ્યાં અને તેઓ માર્ગમાં ખેંગારજીની જ વાર્ત્તા કરતાં હોવાથી તથા પોતાનાં ગ્રામોમાં પણ તેમના વાર્ત્તાલાપનો એ જ વિષય હોવાથી અલ્પ કાળમાં જ રાવશ્રી ખેંગારજી ૧ લાની વીરતા, ઉદારતા, કૃતજ્ઞતા તથા ધર્મશીલતાના કીર્ત્તિકુસુમના સુગંધનો સર્વત્ર પ્રસાર થઈ ગયો અને દેશ કે પરદેશ જ્યાં જાઓ ત્યાં તેમની કીર્ત્તિ અને કીર્ત્તિનાં જ ગીતો કર્ણગોચર થવા લાગ્યાં.

રાવશ્રી ખેંગારજી ૧ લો પોતાની સદ્‌ગુણવતી રાણી નન્દકુમારીના સમાગમથી અત્યંત આનન્દમાં રહીને પોતાના બંધુ સાયબજી તથા રાયબજીની સહાયતાથી અને છચ્છર તથા શિવજી જેવા મિત્રતુલ્ય સેવકોના ઉપદેશથી અત્યંત ન્યાયશીલતા તથા સરળતાથી રાજ્યતંત્ર ચલાવવા લાગ્યો અને કચ્છની રાજભક્ત પ્રજા તેને ઈશ્વરનો અવતાર માનવા લાગી.

એ પછી કેટલોક કાળ જતાં રાવશ્રી ખેંગારજીએ ગોરજી માણેકમેરજીના સ્થાનકમાં અંબાજીની પ્રતિમાની સ્થાપના કરી અને ત્યાં તે નિત્ય પ્રભાતમાં અંબાજીનાં દર્શન કરવાને જતો હતો, એવો ઇતિહાસમાં ઉલ્લેખ મળી આવે છે અને તેની એ કૃતિ તેની ધર્મપ્રિયતાને સિદ્ધ કરી બતાવે છે. કહેવામાં આવે છે કે, માણેકમેરજીની આપેલી જે સાંગવડે રાવશ્રીએ અહમ્મદાબાદમાં સિંહનો સંહાર કર્યો હતો, તે સાંગને પણ અંબાજીની એ મૂર્તિ પાસે જ રાખવામાં આવી હતી અને તે વસ્તુ અંબાજીની જ હોવાથી અંબાજીની મૂર્ત્તિની પૂજા સાથે તે સાંગની પણ પૂજા થતી હતી. કેવળ વિજયાદશમીને દિવસે એ પૂજાનો વિધિ રાવશ્રીના પોતાના વરદ હસ્તથી થતો હતો.

જે જોશી રૂઘા તથા કાળાએ મોરબીના દરવાજા ઊઘાડી આપીને મોરબીનો અધિકાર રાવશ્રીને અપાવ્યો હતો, તેમને તેમની એ સેવાના બદલામાં મોરબી તાલુકાના અનુક્રમે ખાખરડું તથા કાળાસરી નામક ગામ અપાયાં હતાં. નરહરિ પંડ્યાએ તેમને રાજ્યપ્રાપ્તિનું ભવિષ્ય કહ્યું હતું તેથી રાવશ્રીએ તેને થોડોક ગ્રાસ અને અંજારમાં એક ફળિયાની જગ્યા આપી હતી. અર્થાત્ સંકટના સમયમાં પોતાપર અલ્પસ્વલ્પ ઉપકાર કરનારને પણ રા ખેંગાર પોતાની ઉન્નતિના સમયમાં ભૂલી ગયો નહોતો. માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાન બેગડાનું લેણું ૫ણ રાવશ્રીએ યથાસમય વાળી દીધું હતું.

કેટલોક સમય વીત્યા પછી રાવશ્રી ખેંગારજીએ સંતાનસુખનો સાક્ષાત્કાર કર્યો, એટલે કે, તેની સૌભાગ્યવતી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો અને તે પુત્રનું નામ ભોજરાજજી રાખવામાં આવ્યું.