પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
કચ્છનો કાર્તિકેય

મળતાં તે પોતાના વિપુલ સૈન્યને લઈને યુદ્ધમાટે સામો આવી પહોંચ્યો. તેને આવા સમારંભ તથા આડંબરથી આવતો જોઈને સાયબજીએ પોતાના સહચર તથા સહાયક રવાજી તથા મોકળસિંહ પબાજી સાથે એવા પ્રકારનો વિચાર કર્યો કેઃ “જો આપણે બાંકેખાનના એ સૈન્યને મારીને પાછું ભગાવીએ, તો જ આપણી વીરતા!” આવા વિચારથી તે ત્રણ વીરો અમુક પ્રકારની વ્યવસ્થા કરીને રાત્રિના સમયમાં નીકળ્યા, સાયબજીએ કહ્યું કેઃ “હું બાંકેખાનના હાથીની સામે મારા ઘોડાને કુદાવીને તેના કપાળમાં બર્છી મારીશ!” પબાજી બોલ્યો કેઃ “હું તેની પીઠમાં બર્છીનો આઘાત કરીશ!” અને રવાજીએ જણાવ્યું કે: "હું તેના પાસામાં બર્છીનો પ્રહાર કરીશ!” સંકેત અનુસાર તેઓ બાંકેખાનના સૈન્યમાં પેઠા અને સાયબજીએ બાંકેખાનના હાથી સામો ઘોડો કૂદાવી તેના કપાળ ભણી બર્છીને ઉછાળી; પણ એ જ ક્ષણે તેનો ઘોડો ચમકી જવાથી તે બર્છી કપાળમાં લાગવાને બદલે તેની જધામાં લાગી. પબાજીની બર્છી બરાબર તેની પીઠમાં વાગી અને રવાજીની બર્છી તેના પાસામાં કાંઈક છરકતી વાગી. બાંકેખાનપર થયેલા આ અચિંત્ય આક્રમણથી તેના સૈન્યમાં અતિશય ગભરાટ વ્યાપી ગયો અને સૈનિકો પોતાના સ્વામીને સંભાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા; એટલામાં તો આપણા ત્રણે કચ્છી વીરો ત્યાંથી છટકીને પોતાના શિબિરમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા. પ્રભાત થતાં મીરજા ઇસાખાને સમાધાન માટે પોતાના દૂતને સાયબજી પાસે મોકલ્યો અને પરસ્પર અનુમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે, નગરઠઠ્ઠા તથા સિંધુદેશની અર્ધભૂમિ બાંકેખાનને આપવાં તથા નસરપુર (શ્રી ઉદેરાલાલનું જન્મસ્થાન) નગર તથા સિંધુ દેશની બાકીની અર્ધભૂમિ ગાજીખાનને આપવાં. એવી રીતે ગાજીખાનને પોતાનો ભાગ મળવાથી તેણે રાયબા બાજારથી કચ્છની સીમા સુધીનો સિંધુદેશનો ભાગ રાવશ્રી ખેંગારજીને તેણે આપેલી સહાયતાના બદલામાં અધાટ લખી આપ્યો હતો. આવી રીતે વિજય મેળવીને સાયબજી ભુજંગ (ભુજ) નગરમાં પાછો આવ્યો અને તેણે ત્યાંનો સર્વ વૃત્તાન્ત પોતાના જ્યેષ્ઠ બંધુને કહી સંભળાવ્યો. તે વૃત્તાંત સાંભળી લીધા પછી ખેંગારજીએ પબાજી તથા રવાજીના શસ્ત્રચાલન કૌશલ્યની પ્રશંસા કરી, પરંતુ સાયબજીને એમ કહ્યું કે: “ભાઈ, તમે જરા ભૂલ્યા ખરા!" ખેંગારજીના આ વચનથી સાયબજીને એટલું બધું માઠું લાગી ગયું કે: "મોટા ભાઈ ગમે તેવી વીરતા બતાવવા છતાં પણ ધન્યવાદ આપે તેમ નથી!" આવી માન્યતાથી તે સદા ઉદાસીન રહેવા લાગ્યો.

**** *