પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
કચ્છનો કાર્તિકેય

પોતાની માતાને ઉદ્દેશીને એક દિવસ કહેવા લાગી કે: "માતા, 'દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય !' એ કહેવતની સત્યતાનો આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. સ્ત્રીઅવતારના ભાગ્યની નિર્બળતા આજે એક આર્ય અબળાને મુસલ્માનના ભવનમાં ઘસડી જાય છે. અસ્તુ. ભાવિને આધીન થવું જ જોઈએ, એટલે એ વિશે હું કાંઈ પણ કહેતી નથી. પણ માતાજી, હું અમદાવાદમાં નવીસવી જઈને બધાં અજાણ્યાં માણસોના સહવાસમાં મારા દિવસો કેમ કરીને વીતાડી શકીશ વારુ ? તમારા વચનને માન આપી મેં મારા જીવનનું બલિદાન તો આપ્યું, પણ અત્યારે મારી જે એક પ્રાર્થના છે તે મને આશા છે કે તમો અને પિતાશ્રી ઉભય માન્ય કરશો જ."

"તારા જેવી આજ્ઞાધારક પુત્રીની પ્રત્યેક ઈચ્છાને પૂર્ણ કરવી એ પ્રત્યેક માતાપિતાનો પરમ ધર્મ છે. જે ઇચ્છા હોય તે સંકોચ વિના જણાવી દે," રાજબાએ પુત્રીને પ્રેમપૂર્વક કહ્યું.

"મારી એ જ વિનતિ છે કે મારા ભાઈ અલૈયાજીને હાલ તરત મારી સાથે મોકલો. જ્યારે હું ત્યાં બધાં સાથે પળોટાઈ જઈશ અને મને સોવાઈ જશે, તે વેળાએ તરત ભાઈને પાછા મોકલી આપીશ." કમાબાઈએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

"કેમ ભાઈ, તારી આ વિશે શી ઈચ્છા છે ? તું અમદાવાદ જઈશ કે ?" માતાએ પાસે બેઠેલા અલૈયાજીને ઉદ્દેશીને પૂછ્યું.

"જો મારા જવાથી બહેનના શોકમાં ઘટાડો થતો હોય, તો હું બહેન સાથે જવાને અત્યારે જ તૈયાર છું. એથી બહેનને પણ આનંદ મળશે અને મને પણ પ્રવાસનો લાભ મળશે," અલૈયાજીએ કહ્યું.

"ધન્ય મારા વીરા ! હે પ્રભો, સર્વ બહેનોને ભાઈ આપે, તો આવા જ હૈયામાં બહેનની દાઝ ધરનારા જ આપજે," કમાબાઈએ ભાઈને ધન્યવાદ આપ્યો.

"અલૈયાજી ઉપરાંત અહીંથી હું કેટલીક દાસીઓ તથા કેટલાક સેવકોને પણ તારી જોડે મોકલીશ કે જેથી તને ઓછું ન આવે." રાજબાએ પુત્રીના મનમાં વિશેષ સંતોષ ઉપજાવનારું વાક્ય સંભળાવ્યું.

એ પછીના બે દિવસમાં રાજકુમારીના પ્રવાસમાટેની સર્વ વ્યવસ્થા થઈ ગઈ અને જવાનો સમય આવીને ઉભો રહ્યો. માતાએ શિષ્ટસંપ્રદાય પ્રમાણે કમાબાઈને સાસરે વળાવતી વેળાએ સ્ત્રીધર્મનો યોગ્ય ઉપદેશ આપીને વાત્સલ્યથી કહ્યું કે: "પુત્રિ, તું હવે પ્રભુના નામનું સ્મરણ કરીને પોતાના સદાના નિવાસસ્થાન પતિગૃહે આનંદથી સિધાર: અમારા વિયોગનું વધારે દુઃખ માનીશ નહિ. પુત્રી પારકું ધન