પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
કચ્છનો કાર્તિકેય

ચાલી આવે છે તે અત્યારે પણ કાયમ છે. સિંહનો જેના વડે સંહાર કરાયો હતો તે સાંગ પણ માણેકમેરજીની પોશાળમાં અત્યારે પણ જેમની તેમ પડેલી છે અને ખેંગારજી ૧ લાના વંશજો-કચ્છના રાવ-અત્યારે પણ પ્રત્યેક વિજયાદશમીને દિવસે તેની વિધિપૂર્વક પૂજા કરે છે. ભુજંગ પર્વતમાં વસતા દેવાંશીય ભુજંગના ચમત્કારને રાવશ્રી ખેંગારજી ૧ લાએ પોતાનાં નેત્રોથી જોયો હતો અને તેથી તેની તે ભુજંગમાં પૂજ્યબુદ્ધિ થતાં નાગપંચમી એટલે કે શ્રાવણ માસની શુક્લાપંચમીને દિવસે મહાન્ સમારંભ પૂર્વક તે એ ભુજંગને દુગ્ધપાન કરાવવા માટે – દૂધ ચડાવવામાટે – જતો હતો. તેની એ પદ્ધતિને અનુસરીને અદ્યાપિ કચ્છના સિંહાસન પર વિરાજતા રાવશ્રી પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે તે ભુજંગને દૂધ ચઢાવવા માટે ભુજંગ પર્વતપર જાય છે અને તે દિવસે રાવશ્રીની મોટામાં મોટી સવારી નીકળે છે.

રાવશ્રી ખેંગારજી ૧ લાના વંશમાં અદ્યાપિ ખંડ પડ્યો નથી અને તેથી તેના વંશજો એક પછી એક અનુક્રમે કચ્છના સિંહાસનને પોતાની ધર્મસત્તાથી શોભાવતા આવ્યા છે. ભવિષ્યમાં પણ પ્રતાપી રાવશ્રી ખેંગારજી ૧ લાનો વંશ એવી જ રીતે અખંડ તથા શાશ્વત રહે અને તે પ્રાતઃસ્મરણીય મહારાજાના સર્વ વંશજો ધર્મશીલ, ન્યાયપરાયણ, પ્રજાવત્સલ તથા પ્રજાપ્રિય ભૂપાલ થાઓ, એવો શુભ આશીર્વાદ આપીને આપણે હવે અહીં જ વિરમીશું.




સમાપ્ત