પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
પ્રાર્થના કે પ્રપંચ

આપણા હવે પછીના વંશજો તથા ભાયાતો આપણા આવા પરસ્પર પ્રેમભાવને અને એક બીજાને ત્યાં આવવા જવાના સંબંધને જોઈ ઉદાહરણ લઈને એનું અનુકરણ કરતાં શીખે. એ વિના આમાં મારો બીજો કોઈ પણ પ્રકારનો આશય સમાયલો નથી. માત્ર એક જ વાર કૃપા કરીને પધારો. આપે પોતાના મનમાં સંશયને લેશ માત્ર પણ સ્થાન આપવું નહિ," રાવળે જિહ્વાના અગ્રભાગમાંથી અમૃતની ધારા વર્ષાવતાં કહ્યું.

"બહુ સારું ત્યારે હું તમારા ગ્રામમાં આવીશ અને તમારા સત્કારનો સાનંદ સ્વીકાર કરીશ," રાવળનાં નમ્રતાયુક્ત વચનો સાંભળીને ભોળા જામ હમ્મીરજીએ કોઈ પણ પ્રકારનો દીર્ઘ વિચાર કર્યા વિના ત્વરિત એ પ્રમાણેનું વચન આપી દીધું.

"અત્યંત ઉપકાર થયો. વારુ ત્યારે હવે જો આજ્ઞા હોય, તો હું અત્યારે જ પ્રયાણ કરી જાઉં અને ત્યાં મેહમાનદારીની બધી તૈયારીઓ કરી રાખું. આપ બે દિવસ પછી જ પધારજો એટલે આપને કોઇ પણ પ્રકારની અવ્યવસ્થાની પીડા ભોગવવી ન પડે," રાવળે કહ્યું.

"ભલે પધારો; હું પરમ દિવસે અહીંથી નીકળીશ," હમ્મીરજીએ આજ્ઞા આપી. જામ રાવળ મનમાં હર્ષિત થતો ઉતાવળે પગલે ત્યાંથી ચાલ્યો ગયો.

જામ રાવળના ગયા પછી તરત જ ત્યાં જામ હમ્મીરજીની પટરાણી આવી લાગી. અત્યારે તેણે સાદાં વસ્ત્ર અને અલ્પ ભૂષણો ધારણ કરેલાં હોવા છતાં નૈસર્ગિક સૌન્દર્ય અને પતિવ્રત્યના તેજવડે તે સતીનો પ્રભાવ કાંઈક અલૌકિક જેવો જ દેખાતો હતો. રાણીને આવેલી જોઈ જામ હમ્મીરજીએ તરત આતુરતાથી પ્રશ્ન કર્યો કે; "કેમ રાણી, અત્યારે શા કારણથી અહીં આવવાનો શ્રમ લેવો પડ્યો ?"

"પ્રાણનાથને એ જણાવવામાટે કે, રાજબાની પ્રકૃતિમાં સુધારો થતો જાય છે અને હવે વધારે ચિન્તા રાખવા જેવું નથી, એવા સમાચાર તેમના મહેલમાંથી અત્યારે દાસી લઈ આવી છે," રાણીએ વિનયથી કહ્યું.

"પોતાની સોક્યમાટે પણ આવી સારી લાગણી ધરાવનાર જો કોઈ સ્ત્રી મારા જોવામાં આવી હોય, તો તે તમે જ છો." રાજાએ આશ્ચર્ય દર્શાવીને કહ્યું.

"રાજબા આપની રખાયત છે, એટલે જો કે મારી સોક્ય તો ન જ કહેવાય; પણ ધારો કે, એ સોક્ય છે, તો પણ જે મારા પ્રાણનાથને પ્રિય હોય, તે મને પણ પ્રિય હોવી જ જોઈએ, અર્થાત્ રાજબા-